ભારતે નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના આર્થિક પેકેજની કરી જાહેરાત, નેપાળમાં IIT કેમ્પસ બનાવવાનું પણ PM મોદીનું એલાન | Moneycontrol Gujarati
Get App

ભારતે નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના આર્થિક પેકેજની કરી જાહેરાત, નેપાળમાં IIT કેમ્પસ બનાવવાનું પણ PM મોદીનું એલાન

અયોધ્યા અને જનકપુર વચ્ચે દોડતી સરયૂ-કમલા એક્સપ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના પેકેજ અને IIT કેમ્પસ બનાવવાની મોટી જાહેરાત કરી છે. જાણો વિગત.

અપડેટેડ 03:00:20 PM Nov 23, 2026 પર
Story continues below Advertisement
આ ઐતિહાસિક ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાડોશી દેશ નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

India Nepal Economic Package: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા ધામ અને માતા સીતાની જન્મભૂમિ જનકપુર ધામ વચ્ચે દોડનારી સરયૂ-કમલા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ ઐતિહાસિક ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાડોશી દેશ નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી છે. એટલું જ નહીં, પીએમ મોદીએ એવું પણ મોટું એલાન કર્યું છે કે ભારત હવે નેપાળમાં IITનું કેમ્પસ પણ બનાવશે.

પુનર્નિર્માણ અને વિકાસ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાનું પેકેજ


ટ્રેનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત અને નેપાળનો સંબંધ માત્ર પાડોશી તરીકેનો નથી, પરંતુ આત્મીયતા અને અતૂટ વિશ્વાસનો સંબંધ છે. વડાપ્રધાને કહ્યું કે, "આપણી ખુશીઓ અને પડકારો સમાન છે. આપણે એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છીએ અને મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો પણ છીએ."

પીએમ મોદીએ ઓગસ્ટ મહિનામાં નેપાળમાં આવેલા ભીષણ પૂરથી થયેલી જાનહાનિ અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, "આજે નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસને નવી મજબૂતી આપવા માટે અમે 24,000 કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરીએ છીએ."

ગંભીર પડકારો છતાં ભારતે નેપાળમાં ઇંધણ અને ખાતરનો પુરવઠો જાળવી રાખ્યો

વડાપ્રધાન મોદીએ બંને દેશોના સાંસ્કૃતિક જોડાણની વાત કરતા કહ્યું કે, ભારત અને નેપાળના સંબંધો સમાન ઇતિહાસ, આસ્થા, સંસ્કૃતિ અને બંને દેશોના નાગરિકો વચ્ચેના ઊંડા સંબંધોના તાંતણે બંધાયેલા છે. ભગવાન રામ અને માતા સીતા આપણી સહિયારી સભ્યતા અને આસ્થાની ઓળખ છે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, "ભારત ઘણા વર્ષોથી નેપાળ માટે પેટ્રોલિયમ પેદાશો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિશ્વસનીય સપ્લાયર રહ્યું છે. અમારી 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) નીતિની ભાવનાને અનુરૂપ, આ વર્ષે તેલના પુરવઠાને લગતા ગંભીર વૈશ્વિક પડકારો હોવા છતાં, અમે નેપાળને ઇંધણ, ખાતર અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓનો સપ્લાય સતત ચાલુ રાખ્યો હતો."

નેપાળમાં સ્થપાશે IIT નું ઓફશોર કેમ્પસ અને એગ્રો-ઇન્ડસ્ટ્રિયલ પાર્ક

ભારત દ્વારા નેપાળના યુવાનો, શિક્ષણ અને કૃષિ ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ભારત નેપાળમાં સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર, ઇનોવેશન હબ અને IITનું એક ઓફશોર કેમ્પસ સ્થાપિત કરશે. નેપાળી વિદ્યાર્થીઓ માટે ભારતમાં કાયદા અને ટેક્નોલોજીના અભ્યાસ ક્ષેત્રે સ્કોલરશિપની તકો વધારવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યુ-એડિશનને પ્રોત્સાહન આપવા માટે ભારત નેપાળમાં 'એગ્રો-ઇન્ડસ્ટ્રિયલ પાર્ક' વિકસાવવામાં પણ સંપૂર્ણ સહયોગ આપશે.

આ પણ વાંચો-4 કરોડ કર્મચારીઓ માટે મોટા સમાચાર, હવે બીમારી અને મેટરનિટી વખતે ફોર્મ ભર્યા વિના જ ઓટો ક્લેમ થશે, 7 થી 14 દિવસમાં ખાતામાં આવશે પૈસા

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2026 3:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.