COP31 Climate Summit Failure: ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ! વૈશ્વિક નેતાઓ આમને-સામને, જાણો કેમ થયો ફિયાસ્કો
COP31 Climate Summit Failure: તુર્કીના અંતાલ્યામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની COP31 ક્લાઇમેટ સમિટ કોઈપણ સમજૂતી વિના જ નિષ્ફળ રહી છે. વર્ષ 2009 પછી પ્રથમ વખત આવું બન્યું છે. જાણો કયા મુદ્દે દેશો વચ્ચે થયો ટકરાવ.
વર્ષ 2009 પછી પહેલીવાર એવું બન્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈપણ સમજૂતી વિના જ સમેટાઈ ગઈ હોય. આ સાથે જ આ સંમેલન સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસનું સૌથી લાંબું ચાલેલું સંમેલન પણ બની ગયું છે.
COP31 Climate Summit Failure: સમગ્ર વિશ્વમાં સતત વધી રહેલા તાપમાન અને ક્લાઇમેટ ચેન્જના ગંભીર પડકારો વચ્ચે તુર્કીના અંતાલ્યા (Antalya)માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની 'COP31 ક્લાઇમેટ સમિટ'નો મોટો ફિયાસ્કો થયો છે. આ મહત્વપૂર્ણ વૈશ્વિક સમિટ કોઈપણ અંતિમ સમજૂતી કે કરાર વિના જ પૂરી થઈ ગઈ છે.
અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) એટલે કે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ ઘટાડવા અંગે સ્પષ્ટ પ્રતિબદ્ધતાના અભાવે યુરોપિયન યુનિયન, પનામા અને નાના ટાપુ દેશોએ અંતિમ પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો હતો. નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ સમિટ 20 નવેમ્બરે પૂરી થવાની હતી, પરંતુ સહમતી સાધવા માટે તે 2 દિવસ વધુ ચાલી હતી. તેમ છતાં દેશો વચ્ચે એકમત થઈ શક્યો નહીં.
નોંધનીય છે કે વર્ષ 2009 પછી પહેલીવાર એવું બન્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈપણ સમજૂતી વિના જ સમેટાઈ ગઈ હોય. આ સાથે જ આ સંમેલન સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસનું સૌથી લાંબું ચાલેલું સંમેલન પણ બની ગયું છે.
અશ્મિભૂત ઇંધણ (કોલસો, તેલ, ગેસ)ના મુદ્દે દેશો વચ્ચે સીધો ટકરાવ
આ સમિટ નિષ્ફળ જવા પાછળ ઊર્જા ક્ષેત્રમાં અશ્મિભૂત ઇંધણનો મુદ્દો સૌથી મોટું કારણ બન્યો હતો, જેમાં વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા:
ડ્રાફ્ટમાંથી શબ્દો હટાવાયા: સમિટના પહેલા ડ્રાફ્ટમાં ઊર્જા ક્ષેત્રમાંથી અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ તાત્કાલિક ધોરણે ઘટાડવાની વાત લખવામાં આવી હતી. પરંતુ, તેલ ઉત્પાદક દેશોના ભારે વિરોધ બાદ અંતિમ પ્રસ્તાવમાંથી 'અશ્મિભૂત ઇંધણ'નો સ્પષ્ટ ઉલ્લેખ જ હટાવી દેવામાં આવ્યો હતો. તેના બદલે માત્ર ઓછા ઉત્સર્જન અને ક્લાઇમેટ રેઝિલિયન્સ તરફ વૈશ્વિક પરિવર્તનની વાત મૂકવામાં આવી હતી.
કોણે કર્યો વિરોધ: યુરોપિયન યુનિયન, બ્રિટન, નોર્વે, પનામા અને નાના ટાપુ દેશોએ આ અંતિમ પ્રસ્તાવને અત્યંત નબળો ગણાવીને ફગાવી દીધો હતો.
સાઉદી અને રશિયાનું વલણ: બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના તેલ ઉત્પાદક દેશો અને રશિયાએ અશ્મિભૂત ઇંધણ અંગે કોઈપણ પ્રકારની કડક કે સ્પષ્ટ ભાષા લખવાનો સખત વિરોધ કર્યો હતો.
ક્લાઇમેટ ફાઇનાન્સ અને કાર્બન કેપ્ચર ટેક્નોલોજી પર પણ વિવાદ, ભારતે મૂક્યો પક્ષ
માત્ર ઇંધણ જ નહીં, પરંતુ વિકાસશીલ દેશોને મળનારી આર્થિક મદદ (Climate Finance) અંગે પણ કોઈ સહમતી સધાઈ શકી નહોતી:
5.1 થી 6.8 ટ્રિલિયન ડોલરની જરૂરિયાત: ડ્રાફ્ટમાં વર્ષ 2030 સુધીમાં ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે વિકાસશીલ દેશોની જરૂરિયાત 5.1થી 6.8 ટ્રિલિયન ડોલર દર્શાવવામાં આવી હતી, પરંતુ શ્રીમંત દેશો દ્વારા કોઈ નવી નાણાકીય પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી નહોતી.
કાર્બન કેપ્ચર પર વાંધો: પ્રસ્તાવમાં કાર્બન કેપ્ચર ટેક્નોલોજી પર વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો હતો, જેની સામે પણ યુરોપિયન યુનિયને વાંધો ઉઠાવ્યો હતો.
ભારતનું સ્પષ્ટ વલણ: ભારત તરફથી પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ અમનદીપ ગર્ગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ક્લાઇમેટ એક્શનનો અમલ સમાનતા અને વિકસિત દેશો દ્વારા આપવામાં આવતી સહાયના સિદ્ધાંતો પર જ આધારિત હોવો જોઈએ.
હવે જૂન 2027ની બોન બેઠક અને COP32 પર રહેશે વિશ્વની નજર
મુખ્ય સમજૂતી નિષ્ફળ ગઈ હોવા છતાં સમિટમાં 'જસ્ટ ટ્રાન્ઝિશન', 'એડેપ્ટેશન ફંડ' અને 'ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન' સહિતના કેટલાક મુદ્દાઓ પર અલગથી નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે બાકી રહેલા વિવાદિત મુદ્દાઓ પર જૂન 2027માં જર્મનીના બોન (Bonn) ખાતે યોજાનારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર 2027 માં ઇથિયોપિયાના અદિસ અબાબા (Addis Ababa) ખાતે 'COP32' સમિટ યોજાશે. ક્લાઇમેટ ચેન્જ સામે સમગ્ર વિશ્વને એકમંચ પર લાવીને સહમતી બનાવવાનો મોટો પડકાર હવે આગામી સમિટ સામે રહેશે.