Govinda Health Update: બોલિવૂડ એક્ટર ગોવિંદા મંગળવારે (11 નવેમ્બર) રાત્રે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા, જેના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણો તેમના સ્વાસ્થ્યની લેટેસ્ટ અપડેટ અને કયા કારણોસર તેમની તબિયત લથડી.
Govinda Health Update: બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાના ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે, 11 નવેમ્બરની રાત્રે, અભિનેતા ગોવિંદા પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક્ટરના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગોવિંદાની તબિયત બગડતાં તેમને રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ગોવિંદાની તબિયત હાલ કેવી છે?
તાજેતરના અપડેટ્સ મુજબ, હાલમાં ગોવિંદાની તબિયત સ્થિર છે અને તેઓ ડોકટરોની સઘન દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અભિનેતાના સ્વાસ્થ્યને લઈને અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ડોકટરો હાલમાં આ ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેના આધારે તેમની તબિયત લથડવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
હોસ્પિટલમાં દાખલ થવાના એક દિવસ પહેલા ધર્મેન્દ્રને મળવા ગયા હતા
રસપ્રદ વાત એ છે કે, ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના માત્ર એક દિવસ પહેલા જ, તેઓ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મળવા માટે હોસ્પિટલ ગયા હતા. ધર્મેન્દ્ર પણ હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
જ્યારે ગોવિંદા, ધર્મેન્દ્રને મળીને હોસ્પિટલની બહાર નીકળ્યા હતા, ત્યારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં અભિનેતા પોતે પોતાની કાર ડ્રાઈવ કરીને હોસ્પિટલે જતા જોવા મળ્યા હતા અને તેમના ચહેરા પર ભાવુકતા દેખાતી હતી. હવે એક દિવસ બાદ જ તેમના પોતાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અને તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અભિનેતાના પરિવારે અને મિત્રોએ તેમના ચાહકોને અપીલ કરી છે કે ગોવિંદા ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરે. ડોકટરોની ટીમ હાલમાં તેમને સંપૂર્ણપણે સ્વસ્થ કરવા માટે પ્રયત્નશીલ છે. તેમના સ્વાસ્થ્ય વિશે વધુ વિગતો ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.