વડાપ્રધાને જણાવ્યું કે, "આતંકવાદ આજે માનવતા માટે સૌથી ગંભીર પડકાર બની ગયો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદની નિંદા કરવી એ આપણો 'સિદ્ધાંત' હોવો જોઈએ,
BRICS Summit 2025માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે લડવા માટે એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રવિવારે (6 જુલાઈ) યોજાયેલા આ સંમેલનમાં PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે તોળી શકાય નહીં.
પહેલગામ હુમલાની કડક નિંદા અને ભારતનો દ્રષ્ટિકોણ
આ સમિટમાં BRICS સમૂહે પહેલગામ આતંકવાદી હુમલા ની કડક શબ્દોમાં નિંદા કરી હતી. PM મોદીએ આ હુમલાને ભારતની આત્મા, ઓળખ અને ગરિમા પર સીધો હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ હુમલો ફક્ત ભારત પર જ નહીં, પરંતુ સમગ્ર માનવતા પરનો હુમલો હતો. BRICS દેશોએ આતંકવાદને સહન ન કરવાના અને તેના મુકાબલામાં બેવડા માપદંડ છોડી દેવાના ભારતના વલણને પુનરાવર્તિત કર્યું. નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર સહિત આતંકવાદનો સામનો કરવામાં તેમનો દ્રઢ અભિગમ સ્પષ્ટ કર્યો.
"આતંકવાદ માનવતા માટે સૌથી ગંભીર પડકાર"
વડાપ્રધાને જણાવ્યું કે, "આતંકવાદ આજે માનવતા માટે સૌથી ગંભીર પડકાર બની ગયો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદની નિંદા કરવી એ આપણો 'સિદ્ધાંત' હોવો જોઈએ, માત્ર સગવડ નહીં. PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે, "જો આપણે પહેલા એ જોઈએ કે હુમલો કયા દેશમાં થયો, કોના વિરુદ્ધ થયો તો તે માનવતા સાથે વિશ્વાસઘાત કરવા જેવું થશે."
ચીનની ભૂમિકા અને PM મોદીનો પરોક્ષ ઇશારો
PM મોદીએ આવા સમયે આતંકવાદીઓ પર કોઈ પણ સંકોચ વિના પ્રતિબંધ લગાવવાનું આહ્વાન કર્યું છે જ્યારે હાલના વર્ષોમાં ચીન એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના ઘણા આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાના પ્રયાસોને રોક્યા છે. તેમણે કહ્યું કે, "વ્યક્તિગત કે રાજકીય લાભ માટે આતંકવાદને મૌન સંમતિ આપવી, આતંક કે આતંકવાદીઓનું સમર્થન કરવું કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોવું જોઈએ."
વૈશ્વિક શાંતિ અને ગાઝાની સ્થિતિ પર ચિંતા
વડાપ્રધાને જણાવ્યું કે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માત્ર એક આદર્શ નથી, પરંતુ આપણા સહિયારા હિતો અને ભવિષ્યનો પાયો છે. તેમણે ગાઝાની સ્થિતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, "પશ્ચિમ એશિયાથી લઈને યુરોપ સુધી આજે દુનિયા વિવાદો અને તણાવથી ઘેરાયેલી છે. ગાઝામાં માનવીય સ્થિતિ ખૂબ જ ચિંતાનો વિષય છે." PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ભારત ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે અને આપણા માટે યુદ્ધ અને હિંસા માટે કોઈ સ્થાન નથી.
શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની ગેરહાજરી
નોંધનીય છે કે, આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભાગ લીધો ન હતો. BRICS એક પ્રભાવશાળી સમૂહ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં વિશ્વની 11 મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાવાળા દેશો શામેલ છે.