Congo Landslide: સ્માર્ટફોન-લેપટોપ થશે મોંઘા? કોંગોની ખાણમાં ભૂસ્ખલનથી 200ના મોત, ટેક ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ | Moneycontrol Gujarati
Get App

Congo Landslide: સ્માર્ટફોન-લેપટોપ થશે મોંઘા? કોંગોની ખાણમાં ભૂસ્ખલનથી 200ના મોત, ટેક ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ

અપડેટેડ 10:07:42 AM Feb 04, 2026 પર
Story continues below Advertisement
Congo Landslide: આફ્રિકાના કોંગોમાં આવેલી રૂબાયા ખાણમાં ભયાનક ભૂસ્ખલનથી 200થી વધુ લોકોના મોત થયા છે.

Congo Landslide: આફ્રિકાના દેશ કોંગોમાં કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં ભારે વરસાદ અને જમીન ધસી પડવાની ઘટનાઓએ ભયાનક તબાહી મચાવી છે. આ દુર્ઘટના માત્ર કોંગો પૂરતી સીમિત નથી, પરંતુ તેની અસર તમારા અને મારા હાથમાં રહેલા સ્માર્ટફોન અને લેપટોપ પર પણ પડી શકે છે. કોંગોની પ્રખ્યાત રૂબાયા કોલ્ટન ખાણમાં બે વખત મોટા પાયે ભૂસ્ખલન થતાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.

ભારે વરસાદ બાદ પહાડ તૂટ્યો: કેવી રીતે બની ઘટના?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના કોંગોના કિવુ પ્રાંતમાં બની છે. ભારે વરસાદના કારણે તારીખ 28 જાન્યુઆરીના રોજ પહેલું ભૂસ્ખલન થયું હતું, જેમાં પહાડનો એક મોટો ભાગ તૂટીને ખાણ પર પડ્યો હતો. કુદરતનો કોપ અહીં જ અટક્યો ન હતો; તેના બીજા જ દિવસે એટલે કે 29મી જાન્યુઆરીએ ફરીથી ભૂસ્ખલન થયું હતું.

આ વિસ્તાર હાલમાં મિલિશિયા ગ્રૂપ-M23 નામના સશસ્ત્ર બળવાખોર જૂથના કબજામાં છે. સ્થાનિક અધિકારીઓ અને બળવાખોર જૂથોએ પુષ્ટિ કરી છે કે છેલ્લા 5 દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ કીચડ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

મૃત્યુઆંક વધવાની ભીતિ: બાળકો અને મહિલાઓ પણ ભોગ બન્યા


આ દુર્ઘટનામાં માત્ર ખાણમાં કામ કરતા મજૂરો જ નહીં, પરંતુ ત્યાં હાજર સામાન્ય નાગરિકો પણ ભોગ બન્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જ્યારે પહાડ ધસી પડ્યો ત્યારે ત્યાં કોલ્ટન કાઢતા શ્રમિકો ઉપરાંત નાના બાળકો અને માર્કેટમાં શાકભાજી વેચતી મહિલાઓ પણ હાજર હતી. કીચડના તોતિંગ થર નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક 200થી પણ વધી શકે છે. હાલમાં 20 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

તમારા મોબાઈલ સાથે આ ઘટનાનું શું કનેક્શન?

હવે સવાલ એ થાય કે કોંગોની આ ઘટનાથી દુનિયાભરની ટેક કંપનીઓ કેમ ચિંતામાં છે? તો જવાબ છે - 'કોલ્ટન'.

ગોમા શહેરથી 60 કિલોમીટર દૂર આવેલી આ રૂબાયા ખાણમાંથી 'કોલ્ટન' (કોલંબાઈટ-ટેન્ટલાઈટ) નામનું ખનિજ નીકળે છે. આ ખનિજમાંથી 'ટેન્ટલમ' મળે છે, જેનો ઉપયોગ સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર, એરક્રાફ્ટના એન્જિન અને અનેક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ચીપ બનાવવામાં થાય છે.

ગ્લોબલ સપ્લાય ચેઈનને મોટો ફટકો

આંકડાઓ પર નજર કરીએ તો, દુનિયાભરમાં કોલ્ટનની જેટલી જરૂરિયાત છે, તેનો 15થી 30 ટકા જથ્થો આ જ વિસ્તારમાંથી સપ્લાય થાય છે. હવે જ્યારે ખાણમાં મોટી હોનારત સર્જાઈ છે અને કામકાજ ઠપ થઈ ગયું છે, ત્યારે કોલ્ટનનો સપ્લાય અટકી પડવાની શક્યતા છે. જો કાચો માલ સમયસર ન મળે તો મોબાઈલ અને લેપટોપના ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે અને ભાવ પણ વધી શકે છે. આમ, કોંગોની આ દુર્ઘટનાએ માત્ર માનવીય જાનહાનિ જ નથી સર્જી, પરંતુ ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટનું ગણિત પણ બગાડી નાખ્યું છે.

આ પણ વાંચો- Trade Deal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી 50% ટેરિફથી પ્રભાવિત નિકાસના એક તૃતીયાંશ ભાગને મળશે સંજીવની

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2026 10:07 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.