અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત વિરુદ્ધ ટેરિફ વોરને વધુ તીવ્ર કરવાની તૈયારીમાં છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ G7 દેશો (કેનેડા, ફ્રાન્સ, જાપાન, ઈટાલી, બ્રિટન, જર્મની) ને ભારત અને ચીન પર 50 થી 100 ટકા ટેરિફ લગાવવા માટે દબાણ કરી રહ્યા છે. આજે, શુક્રવારે G7 દેશોના નાણામંત્રીઓ વચ્ચે વિડીયો કોલ દ્વારા એક મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.
ટ્રમ્પે આ વર્ષે ભારત પર પહેલા 25 ટકા ટેરિફ અને રશિયન તેલની ખરીદીને લઈને વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જેનાથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થયા. ભારતે આનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ રશિયા સાથે વેપાર કરે છે. રસપ્રદ વાત એ છે કે ચીન, જે રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે, તેના પર અમેરિકાએ માત્ર 30 ટકા ટેરિફ લગાવ્યો છે.
રોઈટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે EU અધિકારીઓ સાથે ચર્ચા કરીને ભારત અને ચીન પર 100 ટકા ટેરિફ લગાવવાની હિમાયત કરી, જેથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન યુદ્ધ ખતમ કરવા દબાણ વધે. એક અમેરિકી અધિકારીએ ફાઈનાન્શિયલ ટાઈમ્સને જણાવ્યું, “ભારત અને ચીન દ્વારા રશિયન તેલની ખરીદી પુતિનના યુદ્ધને ટેકો આપે છે. જો EU યુદ્ધ ખતમ કરવામાં ગંભીર છે, તો તેમણે અમારી સાથે મળીને ટેરિફ લગાવવા પડશે.”
ભારતે આ ટેરિફને “આર્થિક બ્લેકમેલ” ગણાવીને ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા અને EU પોતે રશિયા સાથે વેપાર કરે છે, તો ભારતને નિશાન બનાવવું યોગ્ય નથી. ટ્રમ્પની આ નીતિથી ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધ્યો છે, જે બે દાયકાથી મજબૂત થઈ રહ્યા હતા.