અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર ગોલ્ફ કોર્સ, હોટલ અને રિયલ એસ્ટેટ પછી હવે સ્માર્ટફોન બિઝનેસમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને ટેલિકોમ સેક્ટરમાં મોટી એન્ટ્રીની જાહેરાત કરી છે અને પોતાનું મોબાઇલ નેટવર્ક લોન્ચ કર્યું છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને અન્ય સ્માર્ટફોન કંપનીઓ કરતા સસ્તા મોબાઇલ ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. $499નો સ્માર્ટફોન આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. આ મોબાઇલનું નામ ટ્રમ્પ મોબાઇલ અને T1 ફોન હશે.
કંપનીની વેબસાઇટ અનુસાર, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દર મહિને $47.45 (લગભગ ₹3,950) ની સ્કીમ ઓફર કરશે. તેમાં અનલિમિટેડ ટોકટાઈમ, ટેક્સ્ટ અને ડેટા તેમજ ટેલિહેલ્થ અને ફાર્મસી લાભો શામેલ છે. ટ્રમ્પના "મેક અમેરિકા ગ્રેટ" ના નારાથી શણગારેલા આ સોનેરી રંગના ફોનની કિંમત $499 (આશરે ₹41,500) છે.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ફોન સપ્ટેમ્બરમાં બજારમાં આવશે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ડોનાલ્ડ ટ્રમ્પના નાના પુત્ર એરિક ટ્રમ્પે જણાવ્યું હતું કે ટ્રમ્પ મોબાઇલ અમેરિકામાં બનેલા ફોન વેચશે. તે યુએસમાં કોલ સેન્ટર પણ ચલાવશે.
યુએસ પ્રેસિડેન્ટની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન રિયલ એસ્ટેટ, હોટલ અને ગોલ્ફ રિસોર્ટ માટે જાણીતી છે. પરંતુ હવે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ડિજિટલ મીડિયા, ક્રિપ્ટોકરન્સી અને ટેલિકોમ ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કરી રહી છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનનો દાવો છે કે તેનો ગ્રાહક સપોર્ટ અને ઉત્પાદન બંને યુએસમાં હશે. એવું માનવામાં આવે છે કે આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું વ્યવસાયિક સામ્રાજ્ય ઘણું વિસ્તરશે.