ભારતમાં મે મહિનામાં બેરોજગારી દરમાં વધારો: મહિલાઓ અને યુવાનો પર વધુ અસર
આંકડા દર્શાવે છે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR)માં પણ ઘટાડો થયો છે. LFPR એ 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોનો ગુણોત્તર માપે છે જેઓ કાં તો કામ કરી રહ્યા છે અથવા સક્રિયપણે કામ શોધી રહ્યા છે.
પુરુષો માટે ગ્રામીણ અને શહેરી LFPRsમાં એપ્રિલમાં અનુક્રમે 79.0% અને 75.3% થી થોડો ઘટાડો થઈને 78.3% અને 75.1% થયો છે.
ભારતમાં મે 2025માં બેરોજગારી દરમાં વધારો જોવા મળ્યો છે, જે એપ્રિલના 5.1%થી વધીને 5.6% થયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના આંકડા મુજબ, આ વધારો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળ્યો છે. ખાસ કરીને, યુવાનો અને મહિલાઓ પર તેની વધુ અસર જોવા મળી છે.
યુવાનો અને મહિલાઓ પર બેરોજગારીની અસર
15-29 વર્ષના વય જૂથમાં, ગ્રામીણ ભારતમાં બેરોજગારી દર એપ્રિલમાં 12.3%થી વધીને મે મહિનામાં 13.7% થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં યુવા બેરોજગારી એપ્રિલમાં 17.2% થી વધીને મેમાં 17.9% થઈ છે. મહિલાઓની બેરોજગારીના આંકડામાં પણ વધારો નોંધાયો છે. મે મહિનામાં મહિલાઓ માટે બેરોજગારી દર 5.8% રહ્યો, જે પુરુષો માટે નોંધાયેલ 5.6% ના દર કરતાં વધુ છે.
શ્રમ બળ સહભાગિતા દરમાં ઘટાડો
આંકડા દર્શાવે છે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR)માં પણ ઘટાડો થયો છે. LFPRએ 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોનો ગુણોત્તર માપે છે જેઓ કાં તો કામ કરી રહ્યા છે અથવા સક્રિયપણે કામ શોધી રહ્યા છે. મે 2025માં આ સંખ્યા 54.8% રહી, જે એપ્રિલમાં 55.6% થી ઓછી છે. ગ્રામીણ LFPR 56.9% અને શહેરી LFPR 50.4% નોંધાયો છે.
પુરુષો માટે ગ્રામીણ અને શહેરી LFPRsમાં એપ્રિલમાં અનુક્રમે 79.0% અને 75.3% થી થોડો ઘટાડો થઈને 78.3% અને 75.1% થયો છે.
શ્રમિક વસ્તી ગુણોત્તરમાં પણ ઘટાડો
વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) પણ માસિક ધોરણે ઘટ્યો છે. મે 2025માં 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે ગ્રામીણ વિસ્તારોમાં WPR 54.1% હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 46.9% હતો. કુલ WPR એપ્રિલમાં 52.8%થી ઘટીને મેમાં 51.7% થયો છે. આ મહિનામાં પણ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી ઓછી રહી. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે WPR 35.2% અને શહેરી વિસ્તારોમાં માત્ર 23.0% નોંધાયો. કુલ મહિલા WPR 31.3% રહ્યો.
બેરોજગારીમાં વૃદ્ધિ પાછળના કારણો
MoSPIએ બેરોજગારીમાં થયેલી વૃદ્ધિ અંગે જણાવ્યું છે કે આ આંકડા રવિ પાકના મોસમના અંત સાથે સુસંગત છે, જેના કારણે સામાન્ય રીતે પુરુષો અને મહિલાઓ બંને માટે કૃષિ ક્ષેત્રની નોકરીઓમાં અસ્થાયી ઘટાડો થાય છે. MoSPI મુજબ LFPR અને WPRમાં ઘટાડો બેરોજગારી દરમાં વૃદ્ધિ સાથે, મુખ્યત્વે મોસમી કૃષિ પેટર્ન અને મે મહિનામાં ઉચ્ચ તાપમાન ના કારણે થયું છે, જેણે ઘણા ક્ષેત્રોમાં આઉટડોર કામને અસર કરી છે.