સમગ્ર ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે.
El Nino effect India: શું તમે વિચારી રહ્યા છો કે આ વખતે ગરમી કેમ આટલો કહેર વર્તાવી રહી છે? તેનું મુખ્ય કારણ 'અલ નીનો' (El Nino) છે. તાજેતરના અહેવાલો મુજબ, અલ નીનોનો પ્રવાહ હવે 'સુપર સ્ટ્રોંગ' બની ગયો છે. આ ઐતિહાસિક બદલાવને કારણે ભારતમાં વરસાદમાં 13 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર, 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડશે અને કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
રાજકોટમાં તૂટ્યો 25 વર્ષનો રેકોર્ડ: દેશમાં સૌથી વધુ ગરમી
સમગ્ર ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. આ બધામાં રાજકોટે ગરમીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજકોટમાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જે આખા દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે! આ સાથે જ રાજકોટમાં ગરમીનો 25 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 2011 પછી માત્ર 2020 માં જ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું. હાલમાં રાજકોટમાં કચ્છ અને રાજસ્થાનના રણ પ્રદેશ કરતાં પણ વધુ આકરી ગરમી અનુભવાઈ રહી છે.
ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 38 થી 40 ડિગ્રીની વચ્ચે રમી રહ્યું છે. ચાલો જોઈએ કયા શહેરમાં કેટલી ગરમી છે:
* કંડલા: 39.5 ડિગ્રી
* સુરેન્દ્રનગર, ભુજ, નલિયા અને ડીસા: 39 ડિગ્રી
* કેશોદ, પોરબંદર, વલ્લભવિદ્યાનગર, વડોદરા અને સુરત: 38 ડિગ્રી
* અમદાવાદ અને અમરેલી: 37 ડિગ્રી
દિવાળી સુધી કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગે અગાઉ વરસાદની આગાહી કરી હતી, પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. માત્ર સુરતમાં 1 થી 2 મિલીમીટર જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીનું આખું ગુજરાત કોરુંધાકોર રહ્યું છે.
22 ઓક્ટોબરની આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડવાની શક્યતા છે, પરંતુ એકંદરે દિવાળી સુધી આખું હવામાન એકદમ શુષ્ક અને ગરમ જ રહેશે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર સિસ્ટમ બની છે, પરંતુ રાહતની વાત એ છે કે તેની ગુજરાત પર કોઈ જ અસર થવાની શક્યતા નહિવત્ છે.
જો તમે એવું વિચારતા હોય કે હવે શિયાળાની શરૂઆત થશે, તો તમારે હજુ રાહ જોવી પડશે. દિવાળી સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. બપોરના સમયે કામ વગર બહાર જવાનું ટાળો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.