Starlink in India: એલન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સૅટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે સ્ટારલિંકને સરકાર તરફથી લાઇસન્સ અને રેગ્યુલેટરી ક્લિયરન્સ મળી ગયું છે. હવે કંપની ભારતીય નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે.
સિંધિયાએ એક ઇવેન્ટમાં કહ્યું કે સ્ટારલિંકે ભારતમાં સૅટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે. IN-SPACeની મંજૂરી મળતાં જ કંપની ભારતમાં હાઇ-સ્પીડ બ્રૉડબેન્ડ સર્વિસ શરૂ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, સ્ટારલિંક આગામી બે મહિનામાં ભારતમાં પોતાની સર્વિસ લૉન્ચ કરી શકે છે. કંપની હાલમાં ભારતમાં બેસ સ્ટેશન બનાવવાનું કામ કરી રહી છે. IN-SPACeના ચેરમેન પવન ગોયન્કાએ પણ પુષ્ટિ કરી કે સ્ટારલિંકની લાઇસન્સ સંબંધિત તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે.
અફોર્ડેબલ સર્વિસની અપેક્ષા
ભારતમાં સ્ટારલિંકની સર્વિસ અફોર્ડેબલ હશે. સરકારે કંપનીને સસ્તી સૅટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવા જણાવ્યું છે. નજીકના દેશો ભૂટાન અને બાંગ્લાદેશમાં સ્ટારલિંકની સર્વિસનો ખર્ચ મહિને આશરે 3,300 રૂપિયા છે, જ્યારે વન-ટાઇમ ઇક્વિપમેન્ટ ખર્ચ લગભગ 30,000 રૂપિયા છે. ભારતમાં પણ આવો જ ખર્ચ અપેક્ષિત છે, જે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે.