કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત બન્યું નેશનલ હબ: નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થશે, યુવાનો માટે ખુલ્યા કારકિર્દીના નવા દ્વાર | Moneycontrol Gujarati
Get App

કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત બન્યું નેશનલ હબ: નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થશે, યુવાનો માટે ખુલ્યા કારકિર્દીના નવા દ્વાર

Commercial pilot training Gujarat: પાયલટ બનવા માંગતા યુવાનો માટે ખુશખબર! ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગનું નેશનલ હબ બન્યું છે. નવી 5 ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થતાં રોજગારી અને એવિએશન સેક્ટરમાં વિશાળ તકો ઉભી થશે.

અપડેટેડ 01:27:47 PM Oct 06, 2026 પર
Story continues below Advertisement
ગુજરાત એવિએશન સેક્ટરમાં ભરી રહ્યું છે ઊંચી ઉડાન

Commercial pilot training Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્રે એક મોટી હરણફાળ ભરી છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનને કારણે આજે ગુજરાત 'કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ' માટે દેશનું નેશનલ હબ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં એવિએશન પ્રોજેક્ટ્સ ઝડપથી વિકસી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ યુવાનો માટે પાયલટ બનવાના નવા રસ્તા ખોલી દીધા છે.

હવે કુલ 10 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન થશે

હાલમાં ગુજરાતમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. પરંતુ રાજ્યની મહત્વાકાંક્ષાઓ અહીં અટકતી નથી. બહુ જલ્દી ગુજરાતમાં વધુ 5 નવી ફ્લાઇંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ થવા જઈ રહી છે. આ નવી સંસ્થાઓ શરૂ થતાં જ રાજ્યમાં કુલ 10 FTO નું મોટું નેટવર્ક ઊભું થશે. આ સાથે જ ગુજરાત પાયલટ ટ્રેનિંગ આપતું ભારતનું સૌથી મોટું ઈકોસિસ્ટમ બની જશે.

અત્યાર સુધીનો રેકોર્ડ શું કહે છે?

ગુજરાતમાં ચાલતી આ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સે શાનદાર પરિણામો આપ્યા છે. આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 5200 થી વધુ વિદ્યાર્થીઓને એવિએશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 3200 થી વધુ યુવાનો કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) મેળવીને પાયલટ બની ચૂક્યા છે. હાલમાં પણ 200 થી વધુ ભાવિ પાયલટો પોતાની ટ્રેનિંગ લઈ રહ્યા છે.


FTOs 0610 1

હાલમાં ક્યાં ક્યાં ચાલે છે ટ્રેનિંગ?

હાલમાં ચાલતા 5 FTO માંથી ચાર સંસ્થાઓ રાજ્ય સરકાર હસ્તકની એરસ્ટ્રીપ પર ચાલે છે, જ્યારે એક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જગ્યા પર ચાલે છે.

મહેસાણા: સ્કાયનેક્સ એરો પ્રા. લિ. અને બ્લૂ રે એવિએશન પ્રા. લિ.

અમરેલી: વિઝન ફ્લાઇંગ ટ્રેઇનીંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ

ભાવનગર: દુનેસ એવિએશન પ્રા.લિ.

ખાસ વાત એ છે કે વડોદરાની 'ગુજરાત ફ્લાઇંગ ક્લબ'ની સ્થાપના 1958 માં થઈ હતી. આ ભારતની સૌથી જૂની અને લાંબા સમયથી ચાલતી ડીજીસીએ (DGCA) માન્ય સંસ્થાઓમાંની એક છે.

આવનારા સમયમાં 30,000 પાયલટોની જરૂર પડશે

તમને થશે કે આટલી બધી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની જરૂર કેમ પડી? તો તેનું કારણ એ છે કે ભારતમાં પેસેન્જર ટ્રાફિક અને 'ઉડાન' યોજનાનો વ્યાપ વધી રહ્યો છે. ભારતીય એરલાઈન્સે એકસાથે આશરે 1700 નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ વિમાનો ઉડાડવા માટે આગામી વર્ષોમાં 25000 થી 30000 કોમર્શિયલ પાયલટોની માંગ ઉભી થવાની છે. આ જ તકને ઝડપી લેવા ગુજરાતે સિવિલ એવિએશન વિભાગ અને GUJSAIL મારફતે PPP મોડલથી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ વધારવાનું શરૂ કર્યું છે. આ માટે એરપોર્ટ પર 1500 ચોરસ મીટર જમીન પારદર્શક રીતે ફાળવવામાં આવી છે.

ગુજરાત જ કેમ બેસ્ટ છે?

પાયલટ ટ્રેનિંગ માટે આખું વર્ષ ખુલ્લું અને અનુકૂળ હવામાન હોવું ખૂબ જરૂરી છે, જે ગુજરાત પાસે છે. આ ઉપરાંત, ઉત્તમ રોડ કનેક્ટિવિટી, રોકાણકારોને આકર્ષતી નીતિઓ અને એરસ્ટ્રીપ્સનું મોટું નેટવર્ક ગુજરાતને અન્ય રાજ્યો કરતા ઘણો આગળ રાખે છે.

રોજગારી અને અર્થતંત્રને મળશે મોટો બૂસ્ટ

ફક્ત પાયલટ જ નહીં, પરંતુ આ ઈન્સ્ટિટ્યૂટ્સ ખુલવાથી વિમાનોના મેન્ટેનન્સ (MRO), સિમ્યુલેટર્સ, હોસ્ટેલ, ફ્યુઅલ સર્વિસ વગેરેમાં કરોડોનું રોકાણ આવશે. જેનાથી ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ, એન્જિનિયર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ અને સેફ્ટી પ્રોફેશનલ્સ માટે નોકરીની હજારો નવી તકો ઉભી થશે. સાથે જ ડ્રોન ટ્રેનિંગ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો પણ તેજ ગતિએ આગળ વધશે. સરકારી એરપોર્ટના ઉપયોગથી જમીન ભાડું અને પાર્કિંગ મારફતે લાંબા ગાળે રાજ્ય સરકારની આવકમાં પણ મોટો વધારો થશે.

આ પણ વાંચો- અમેરિકામાં ઓરીનો આતંક: ન્યૂયોર્કમાં હેલ્થ ઈમરજન્સી લાગુ, 1991 પછીની સૌથી ભયાનક સ્થિતિ, જાણો નવા નિયમો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2026 1:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.