Gujarat Weather: રાજ્યમાં હવે ઉનાળો ધીમે ધીમે જામી રહ્યો છે. હવે મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે યલો એલર્ટની વોર્નિંગ આપી દીધી છે. આજથી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ સિઝનમાં અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું હતું. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આપને જણાવીએ કે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રવિવારનું મેક્સિમમ તાપમાન જોઈએ તો અમદાવાદમાં 38.7, ડીસામાં 38.9, ગાંધીનગરમાં 39.2, વલ્લભવિદ્યાનગરમાં 38.5, વડોદરામાં 38.4, સુરતમાં 38.7, ભુજમાં 40.4, નલિયામાં 39.5, અમરેલીમાં 39, રાજકોટમાં 41.1, સુરેન્દ્રનગરમાં 40.5, કેશોદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 10મી માર્ચના રોજ બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વલસાડ અને સુરતમાં હીટ વેવની ચેતવણી છે.
તો, 11 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ છે. આ જિલ્લાઓમાં હીટ વેવની ચેતવણી છે. 12 માર્ચના રોજ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં હીટ વેવની ચેતવણી છે.
હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા જોઈએ તે ધ્યાનમાં રાખો. તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો. હાઈડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો. તડકામાં ફરવાનું ટાળો, જરૂર જણાય તો જ બપોરના સમયે બહાર નિકળો.