Gujarat High Court on Wrong Side Driving: ગુજરાત હાઈકોર્ટે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ જેવી ટ્રાફિક સમસ્યાઓ પર કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસને આકરી સૂચના આપતા કોર્ટે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા વાહનો જપ્ત કરવા અને ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે આવા ઉલ્લંઘનથી અકસ્માતો અને નિર્દોષ લોકોના મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે.
ન્યાયમૂર્તિ એ.એસ. સુપહીયા અને આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું, “અમને નાગરિકોની સલામતીની ચિંતા છે. યોગ્ય આયોજન કરી, અસરકારક કામગીરી કરો અને પરિણામ રજૂ કરો.” કોર્ટે રોંગ સાઈડ ડ્રાઇવિંગની સમસ્યાને ગંભીર ગણાવી, ખાસ કરીને સાયન્સ સિટી જેવા રોડ પર SUV જેવા મોટા વાહનોની ખોટી દિશામાં ડ્રાઇવિંગથી થતા જોખમોનો ઉલ્લેખ કર્યો. જસ્ટિસ સુપહીયાએ અંગત અનુભવ શેર કરતા જણાવ્યું, “કેટલાક રસ્તાઓ પર રોંગ સાઈડ વાહનો એટલા આવે છે કે સાચા રસ્તે હોવા છતાં લાગે કે આપણે ખોટા છીએ!”
ગેરકાયદે પાર્કિંગ પર ગુસ્સો
અમદાવાદમાં લક્ઝરી બસો અને ભારે વાહનોના પીક અવર્સ દરમિયાન પ્રતિબંધના નિયમોનો સખત અમલ કરવા પણ હાઈકોર્ટે સૂચના આપી. આવા વાહનો ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યા છે, જેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે.
હાઈકોર્ટે આ કેસની સુનાવણી હવે દર બુધવારે કરવાનું નક્કી કર્યું છે અને સરકાર પાસે સાપ્તાહિક રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવી પડશે.
ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. નાગરિકોને અપીલ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સલામત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપો.