India-China relations: જયશંકર અને વાંગ યીની મુલાકાત સૌહાર્દપૂર્ણ માહોલમાં થઈ. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોને વધુ મજબૂત કરવા માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
જયશંકરે પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભારતની પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ સામેની કાર્યવાહી UN સિક્યોરિટી કાઉન્સિલના રિઝોલ્યુશનને અનુરૂપ હતી.
India-China relations: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે તાજેતરની મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત-ચીન સંબંધોમાં કોઈ ત્રીજા દેશ, ખાસ કરીને પાકિસ્તાન,ની કોઈ દખલગીરી કે હિતની જગ્યા નથી. આ મુલાકાત 14 જુલાઈના રોજ થઈ હતી, જેમાં 2020માં પૂર્વી લદ્દાખમાં LAC પર ચીનની ઘૂસણખોરી બાદ બંને દેશોના સંબંધોની દિશા પર ચર્ચા થઈ.
સીમા પર શાંતિ અને સ્થિરતા જરૂરી
વિદેશમંત્રી જયશંકરે વાંગ યી સાથેની ચર્ચામાં ભારપૂર્વક જણાવ્યું કે સ્થિર સીમા એ ભારત-ચીન સંબંધોનો પાયો છે. તેમણે કહ્યું કે 2020ની ગલવાન ઘટના અને LAC પર ઘૂસણખોરીને 5 વર્ષ વીતી ગયા છે, હવે બંને દેશોએ તણાવ ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં બંને પક્ષે લગભગ 50,000 સૈનિકો, ટેન્ક અને ભારે હથિયારો તૈનાત છે. જયશંકરે એમ પણ જણાવ્યું કે ઓક્ટોબર 2024ના સમજૂતી બાદ ભારતીય સેનાએ ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં ફરીથી પેટ્રોલિંગ શરૂ કર્યું છે, જે એક સકારાત્મક પગલું છે.
ભરોસાપાત્ર સપ્લાય ચેઈન પર ભાર
જયશંકરે ચીનને સ્પષ્ટ કહ્યું કે ભારત માટે ભરોસાપાત્ર સપ્લાય ચેઈન જરૂરી છે. ચીને તાજેતરમાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં વપરાતા મેગ્નેટ અને પોટેશિયમ-નાઈટ્રોજન ખાતરો પર નિકાસ પ્રતિબંધ મૂક્યો હતો, જેની અસર ભારત પર પડી છે. જયશંકરે આવા પ્રતિબંધો ન લગાવવા વાંગ યીને સૂચન કર્યું.
આતંકવાદ વિરુદ્ધ કડક વલણ
જયશંકરે આતંકવાદ પર કડક વલણ અપનાવતા કહ્યું કે ભારત-ચીન સંબંધો કોઈ ત્રીજા દેશના હિતોની આસપાસ ન ફરવા જોઈએ. આ નિવેદન ખાસ કરીને પાકિસ્તાનને લઈને મહત્વનું છે, કારણ કે ચીન પાકિસ્તાનને 81% સૈન્ય હથિયારોની સપ્લાય કરે છે, જેમાં મિસાઈલ અને વિમાનોનો સમાવેશ થાય છે. આ હથિયારો પાકિસ્તાને તાજેતરના ઓપરેશન સિંદૂરમાં વાપર્યા હતા. 13 જુલાઈની SCO મીટિંગમાં જયશંકરે આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામે લડવાનો SCOનો ઉદ્દેશ યાદ અપાવ્યો.
પહેલગામ હુમલા પર UN રિઝોલ્યુશનનો ઉલ્લેખ
જયશંકરે પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભારતની પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ સામેની કાર્યવાહી UN સિક્યોરિટી કાઉન્સિલના રિઝોલ્યુશનને અનુરૂપ હતી. આ રિઝોલ્યુશન, જેને ચીન, પાકિસ્તાન અને રશિયા સહિતના દેશોએ મંજૂરી આપી હતી, આતંકવાદને વૈશ્વિક શાંતિ માટે સૌથી મોટો ખતરો ગણાવે છે અને જવાબદારોને સજા આપવાની હાકલ કરે છે.
સકારાત્મક માહોલમાં થઈ મુલાકાત
જયશંકર અને વાંગ યીની મુલાકાત સૌહાર્દપૂર્ણ માહોલમાં થઈ. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોને વધુ મજબૂત કરવા માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી. આ મુલાકાત બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા અને સીમા વિવાદોનું સમાધાન શોધવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાય છે.