ગુજરાતમાં સાયબર ક્રાઈમનો ભયાવહ ઉછાળો: 5 વર્ષમાં 30% વધારો, 9 મહિનામાં રૂ.1011 કરોડનો ચૂનો, ગુજરાતીઓ સૌથી વધુ શિકાર | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં સાયબર ક્રાઈમનો ભયાવહ ઉછાળો: 5 વર્ષમાં 30% વધારો, 9 મહિનામાં રૂ.1011 કરોડનો ચૂનો, ગુજરાતીઓ સૌથી વધુ શિકાર

ગુજરાતમાં સાયબર ક્રાઈમ 5 વર્ષમાં 30% વધ્યો છે. 2025ના 9 મહિનામાં ગુજરાતીઓએ રૂ.1011 કરોડ ગુમાવ્યા. રોકાણ, OTP, ખોટી ઓળખ અને સિનિયર સિટીઝન ફ્રોડથી બચવા વાંચો!

અપડેટેડ 12:14:39 PM Nov 23, 2025 પર
Story continues below Advertisement
ગુજરાતમાં સાયબર ક્રાઈમ 5 વર્ષમાં 30% વધ્યો છે.

Cybercrime Gujarat: ગુજરાતમાં સાયબર અપરાધની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. પોલીસ અને સરકાર દ્વારા સાયબર ક્રાઈમને અટકાવવા માટેના જનજાગૃતિ અભિયાનો અને સામૂહિક પ્રયાસો છતાં, સાયબર ગઠિયાઓ જાણે એક ડગલું આગળ ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ભયાવહ 30%નો વધારો જોવા મળ્યો છે. આ આંકડાઓ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.

વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિના સુધીના (પ્રથમ 9 મહિનાના) આંકડા દર્શાવે છે કે સાયબર અપરાધીઓએ ગુજરાતીઓના રૂ.1,011 કરોડ ચાઉં કરી લીધા છે. આ વિશાળ રકમ દર્શાવે છે કે ડિજિટલ છેતરપિંડીનો વ્યાપ કેટલો મોટો થઈ ગયો છે.

ઠગાઈની મુખ્ય પદ્ધતિઓ અને નુકસાનના આંકડા

આંકડાકીય માહિતી મુજબ, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ 9,240 લોકો સાથે છેતરપિંડી આચરીને કુલ રૂ.397 કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખોટી ઓળખ આપીને, OTP (વન ટાઈમ પાસવર્ડ) અને કાર્ડ ફ્રોડના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખોટી ઓળખ આપીને ગઠિયાઓએ 27,816 લોકો પાસેથી રૂ.137 કરોડ ખંખેરી લીધા છે.

ક્રાઈમ રેટનું વધતું ગણિત: પ્રતિ કલાક 21 ફરિયાદ


ગુજરાત સાયબર અપરાધીઓ માટે ‘મોકળું મેદાન’ બની ગયું હોય તેમ આંકડા બોલી રહ્યા છે. વર્ષ 2020માં રોજના સરેરાશ 155 ઓનલાઈન ગુના-ફરિયાદ નોંધાતી હતી, જે પ્રતિ કલાક સરેરાશ 6 ફરિયાદ જેટલી હતી. જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને દરરોજની સરેરાશ 521 ફરિયાદો પર પહોંચી ગયો છે, જે પ્રતિ કલાક સરેરાશ 21 ફરિયાદ દર્શાવે છે. છેલ્લા 5 વર્ષમાં કુલ 4.81 લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં નાગરિકોએ કુલ રૂ.3,387 કરોડ ગુમાવ્યા છે. જોકે, એક રાહતની વાત એ છે કે પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમમાં બહુ મોટો વધારો થયો નથી. વર્ષ 2020માં સરેરાશ રૂ.70,313 ગુમાવવામાં આવ્યા હતા, જ્યારે 2025માં આ રકમ રૂ.71,204 રહી છે.

સિનિયર સિટીઝન્સ સોફ્ટ ટાર્ગેટ

સાયબર નિષ્ણાતોના મતે, છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીમાં પણ બદલાવ આવ્યો છે. હવે ગઠિયાઓ ખાસ કરીને પેન્શનર્સ અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન્સને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે. ખોટા ભય બતાવી, પોલીસ કે CBI ના નામે ધમકાવી ‘હાઉસ એરેસ્ટ’ કરવાના બહાને અથવા શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના જીવનભરની મૂડી લૂંટી લેવામાં આવે છે. આ એક નવી અને ખતરનાક પદ્ધતિ છે જે વૃદ્ધોને માનસિક રીતે દબાવીને છેતરે છે.

પોલીસની સક્રિયતા અને નાગરિકોની સ્વયં જાગૃતિની અનિવાર્યતા

સાયબર ક્રાઈમને અટકાવવા માટે CID (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ સતત સક્રિય છે અને રિકવરી માટે ગુનેગારોની ટોળકીઓને પકડી પણ રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નોકરીની લાલચ, સાયબર સ્લેવરી, ઓનલાઈન બેટિંગ અને લોન સ્કેમ સહિત 50 જેટલી અલગ-અલગ પદ્ધતિઓથી લોકો છેતરાઈ રહ્યા છે. તંત્ર ગમે તેટલા પગલાં લે, પરંતુ જ્યાં સુધી નાગરિકોમાં ‘સ્વયં જાગૃતિ’ નહીં આવે ત્યાં સુધી સાયબર ક્રાઈમથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ છે. ડિજિટલ વ્યવહારો કરતી વખતે નાગરિકોએ અત્યંત સાવચેતી રાખવી અને અજાણ્યા કોલ, મેસેજ કે લિંક પર ભરોસો ન કરવો તે સમયની માંગ છે.

આ પણ વાંચો- અકસ્માતમાં મૃત્યુ સાબિત થાય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચનો ઐતિહાસિક ચુકાદો, વીમા કંપનીને 2.25 કરોડ ચૂકવવા આદેશ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2025 12:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.