UDAN Scheme: ભારતના આકાશમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ રશિયન કંપની યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) સાથે મળીને ભારતમાં જ SJ-100 યાત્રી જેટ બનાવવાનો કરાર કર્યો છે. આ કરાર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) દ્વારા થયો છે અને તેનાથી દેશમાં પહેલી વાર પૂર્ણ યાત્રી વિમાનનું પ્રોડક્શન શરૂ થશે.
ડબલ એન્જિનવાળું નેરો-બોડી વિમાન
આ SJ-100 એક ડબલ એન્જિનવાળું નેરો-બોડી વિમાન છે, જેને હાલ 16થી વધુ કોમર્શિયલ એરલાઈન્સ ચલાવે છે. અત્યાર સુધીમાં 200થી વધુ આવા વિમાન બની ચૂક્યા છે. HALના જણાવ્યા પ્રમાણે, આ વિમાન UDAN યોજના હેઠળ ટૂંકા અંતરની કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. કરાર હેઠળ HALને ઘરેલું ગ્રાહકો માટે આ જેટ બનાવવાનો અધિકાર મળશે.
HAL અને UAC વચ્ચેના પરસ્પર વિશ્વાસનું પરિણામ
ભારતીય એવિએશન ક્ષેત્રને આવનારા 10 વર્ષમાં 200થી વધુ નેરો-બોડી વિમાનની જરૂર પડશે, જે રિજનલ કનેક્ટિવિટી પૂરી પાડશે. તે ઉપરાંત હિંદ મહાસાગરના પડોશી દેશોમાં પર્યટન માટે વધારાના 350 વિમાનની આવશ્યકતા રહેશે.
HALએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ ભારતીય એવિએશન ઈતિહાસમાં નવો અધ્યાય ખોલશે. તે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરશે, ખાનગી ક્ષેત્રને મજબૂત બનાવશે અને હજારો સીધા-પરોક્ષ રોજગાર પેદા કરશે. આ કરાર મેક ઇન ઇન્ડિયા અભિયાનની મોટી સફળતા છે અને વૈશ્વિક સ્તરે ભારતની તાકાત દર્શાવે છે.