જો આ ડીલ સફળ થાય, તો ભારત ભવિષ્યની ઊર્જા ક્રાંતિમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે છે. સસ્તી EVs, સ્વચ્છ હવા, ઓછો ફ્યુલ ખર્ચ અને નવી રોજગારી – આ બધું શક્ય બની શકે છે, પરંતુ તેના માટે સંતુલન અને સ્માર્ટ પ્લાનિંગ અનિવાર્ય છે.
લિથિયમની આ ઉપલબ્ધતાથી દેશમાં નવા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થપાશે, જે રોજગારીની નવી તકોનું સર્જન કરશે.
ભારત જે હાલ લિથિયમ માટે મોટાભાગે ચીન અને હોંગકોંગ પર નિર્ભર છે, તે હવે આ "સફેદ સોના"નો સીધો માલિક બનવા અને આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. સરકારી કંપની NLC India Ltd આફ્રિકન દેશ માલીમાં લિથિયમ ખાણમાં હિસ્સેદારી મેળવવા માટે રશિયાની સરકારી કંપની સાથે પાર્ટનરશિપ કરવાની તૈયારી કરી રહી છે. આ ડીલ ભારતની ઇલેક્ટ્રિક વાહન (EV) ક્રાંતિ અને ગ્રીન એનર્જીના લક્ષ્યો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
શા માટે આ ડીલ ભારત માટે ગેમચેન્જર છે?
લિથિયમ, જેને સફેદ સોનું કહેવામાં આવે છે, તે ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન અને લેપટોપની બેટરી માટે સૌથી આવશ્યક ખનિજ છે. ભારત હાલમાં તેની લિથિયમની જરૂરિયાતનો મોટો હિસ્સો ચીન અને હોંગકોંગ પાસેથી આયાત કરે છે. જો ભારત માલીમાં સીધું માઇનિંગ શરૂ કરશે, તો તે લિથિયમનો સ્વતંત્ર માલિક બનશે અને ચીન પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટશે.
આનાથી EVsની કિંમતમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે એક EVની કિંમતમાં 30થી 40% જેટલો ખર્ચ ફક્ત બેટરી પર થાય છે. લિથિયમ ભારતમાં સીધું ઉપલબ્ધ થતાં બેટરી સસ્તી બનશે, જેના પરિણામે ઇલેક્ટ્રિક ગાડીઓ પણ વધુ પોસાય તેવી બનશે અને પેટ્રોલ-ડીઝલની જરૂરિયાત ઘટશે. આ સીધો ફાયદો સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે.
આર્થિક અને રોજગારીના ફાયદા
લિથિયમની આ ઉપલબ્ધતાથી દેશમાં નવા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થપાશે, જે રોજગારીની નવી તકોનું સર્જન કરશે. ખાસ કરીને તમિલનાડુ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં, જ્યાં NLC પહેલેથી જ કાર્યરત છે, ત્યાં રોજગારીમાં વધારો જોવા મળશે. આનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને "મેક ઇન ઇન્ડિયા" પહેલને પણ મોટો ફાયદો થશે.
ભારતનું ભવિષ્યનું વિઝન
ભારત સરકારે 2030 સુધીમાં 30% વાહનો ઇલેક્ટ્રિક બનાવવાનું અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યોને હાંસલ કરવા માટે મોટી માત્રામાં લિથિયમની જરૂર પડશે, જે માલીથી પૂરી થવાની અપેક્ષા છે. જો આ ડીલ સફળ થશે, તો ભારત માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને બેટરી સપ્લાય કરી શકશે, જે ચીન માટે સીધી સ્પર્ધા ઊભી કરશે.
પડકારો અને આગળનો રસ્તો
જોકે માલીમાં માઇનિંગ કરવું સરળ નહીં હોય. ત્યાં રાજકીય અસ્થિરતા પ્રવર્તે છે અને માઇનિંગ માટે સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને ટેકનોલોજીની જરૂર પડશે. ભારત પાસે હાલમાં લિથિયમ પ્રોસેસિંગની સંપૂર્ણ ટેકનોલોજી નથી, તેથી રશિયા સાથેની પાર્ટનરશિપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત, પર્યાવરણીય નિયમોનું પાલન કરવું પણ અત્યંત જરૂરી છે, જેથી આ "સફેદ સોનું" ક્યાંક "લીલું ઝેર" ન બની જાય.