અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની ઓફરને ઈરાને ફગાવી દીધી છે. ઈરાને ટ્રમ્પ પાસે 24 અબજ ડોલરની માંગણી કરી છે અને જો વાટાઘાટો નિષ્ફળ જશે તો યુદ્ધને હિંદ મહાસાગર સુધી લઈ જવાની આકરી ધમકી આપી છે.
ઈરાને અમેરિકા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ ફરીથી વિશ્વાસ કેળવવા માંગતા હોય, તો વાશિંગ્ટને પોતાની નિયત સાબિત કરવી પડશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પડદા પાછળની કૂટનીતિને મોટો આંચકો લાગ્યો છે. ઈરાનના ટોચના નેતૃત્વએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મૌજતબા ખામેનેઈ વચ્ચેની કોઈપણ સંભવિત મુલાકાતની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. ઈરાનનું કડક વલણ છે કે જ્યાં સુધી વાટાઘાટોમાં પડેલી મડાગાંઠ નહીં ઉકેલાય, ત્યાં સુધી આવી કોઈ મુલાકાત ક્યારેય શક્ય નથી.
વાટાઘાટોમાં મડાગાંઠ માટે ટ્રમ્પ જવાબદાર
સીએનએનને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં મૌજતબા ખામેનેઈના વરિષ્ઠ સલાહકાર મોહસિન રઝાઈએ જણાવ્યું હતું કે, "અમેરિકા સાથે મુલાકાત ક્યારેય નહીં થાય. અત્યારે અમે વાટાઘાટોના પ્રાથમિક તબક્કામાં છીએ અને ટ્રમ્પે જ આખી પ્રક્રિયા અટકાવી દીધી છે. તેથી આ મુલાકાતનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને ડેડલોક તોડવાની સંપૂર્ણ જવાબદારી ટ્રમ્પની છે."
ઈરાનની 24 અબજ ડોલરની મોટી શરત
ઈરાને અમેરિકા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ ફરીથી વિશ્વાસ કેળવવા માંગતા હોય, તો વાશિંગ્ટને પોતાની નીયત સાબિત કરવી પડશે. રઝાઈએ કહ્યું કે જો ટ્રમ્પ ખરેખર ગંભીર છે, તો તેમણે અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા ઈરાનના 24 અબજ ડોલર તરત જ રિલીઝ કરવા જોઈએ. અમેરિકા માટે આ રકમ મોટી નથી, પરંતુ ટ્રમ્પ માટે આ એક 'ટ્રસ્ટ ટેસ્ટ' સાબિત થશે. આ સાથે જ ઈરાને માંગ કરી છે કે અમેરિકા ઈઝરાયેલના પ્રભાવમાંથી મુક્ત થઈને નિર્ણયો લે અને તેમના પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવે.
યુદ્ધ વધારવાની ખુલ્લી ધમકી
જો આ વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાને અમેરિકાને ગંભીર સૈન્ય પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.
મોહસિન રઝાઈએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની નૌકાદળની નાકાબંધી નહીં હટે, તો તેઓ યુદ્ધનો વ્યાપ વધારશે.
ઈરાને આ સંઘર્ષને હિંદ મહાસાગર, બાબ અલ-મંડેબ જલડમરુમધ્ય, લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર સુધી ખેંચી જવાની ધમકી આપી છે.
જો સ્થિતિ વણસશે તો ઈરાન અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવશે, જેનાથી અમેરિકાને ભારે નુકસાન થઈ શકે છે.
વિદેશ મંત્રીએ પણ ટ્રમ્પના દાવાને નકાર્યો
થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ન્યૂયોર્ક પોસ્ટ' ને કહ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવા માંગે છે. આ મુદ્દે કટાક્ષ કરતા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ લેબનાનની અલ મયાદીન ટીવી ચેનલ પર કહ્યું કે, "મેં ટ્રમ્પની મુલાકાતની ઈચ્છાવાળી રિપોર્ટ જોઈ છે, પરંતુ મારું માનવું છે કે આપણે થોડા પ્રેક્ટિકલ બનીને વાસ્તવિક દુનિયામાં જીવવું જોઈએ."
નવા સુપ્રીમ લીડર જાહેરમાં કેમ નથી આવતા?
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ માર્ચ મહિનામાં તેમના પુત્ર મૌજતબા ખામેનેઈએ દેશની કમાન સંભાળી છે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલથી લાગુ થયેલો યુદ્ધવિરામ અત્યારે અત્યંત નાજુક મોડ પર છે, જેને કારણે સુરક્ષાના કારણોસર નવા સુપ્રીમ લીડર હજુ સુધી જાહેરમાં જોવા મળ્યા નથી.