Iran oil threat: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાનની ધમકી, વૈશ્વિક તેલ બજાર અને ભારત પર ડબલ ટ્રબલ!
Iran oil threat: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની સંભાવના વ્યક્ત કરી, જેનાથી ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે અને ભારતને ઊર્જા તેમજ વેપાર એમ બંને સ્તરે નુકસાન થઈ શકે છે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની નેવીના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અલીરેઝા ટાંગસીરી એ નિવેદન આપ્યું છે કે, "હોર્મુઝ સ્ટ્રેટ ગણતરીના કલાકોમાં બંધ કરી દેવામાં આવશે.
Iran oil threat: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકી એરસ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ વણસી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઈરાનની સંસદે રવિવારે એક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનો સંકેત આપવામાં આવ્યો છે.
‘હોર્મુઝ સ્ટ્રેટ ગણતરીના કલાકોમાં બંધ થઈ જશે'
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની નેવીના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અલીરેઝા ટાંગસીરી એ નિવેદન આપ્યું છે કે, "હોર્મુઝ સ્ટ્રેટ ગણતરીના કલાકોમાં બંધ કરી દેવામાં આવશે." જોકે, આ અંતિમ નિર્ણય નથી. તેની અંતિમ મંજૂરી ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ આપશે, જેની અધ્યક્ષતા સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ કરે છે.
ભલે સત્તાવાર આદેશ હજુ બહાર પાડવામાં આવ્યો ન હોય, પરંતુ ઈરાને દુનિયાને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે વૈશ્વિક તેલ સપ્લાયની નસ પર પકડ ધરાવે છે. ચાલો જાણીએ કે આ નિર્ણયની ક્રૂડ ઓઈલના ભાવ, વૈશ્વિક સપ્લાય ચેઈન અને ભારતના વેપાર પર શું અસર થઈ શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ શું છે?
હોર્મુઝ સ્ટ્રેટ એ ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો એક સાંકડો જળમાર્ગ છે, જે પર્શિયન ગલ્ફને અરબ સાગર સાથે જોડે છે. તેની સૌથી ઓછી પહોળાઈ માત્ર 21 માઈલ છે, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સપ્લાયની લાઈફલાઈન ગણાય છે. દુનિયાનું લગભગ 20થી 25 ટકા ક્રૂડ ઓઈલ આ જ માર્ગેથી પસાર થાય છે – લગભગ 2 કરોડ બેરલ પ્રતિ દિન.
2023ના આંકડા અનુસાર, દરરોજ 1.7 કરોડ બેરલ ઓઈલ આ રસ્તેથી પસાર થાય છે. આમાં સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક, કુવૈત અને કતાર જેવા મુખ્ય ઉત્પાદકોનું તેલ સામેલ છે. સાથે જ કતારની LNG અને ઈરાનનું પોતાનું તેલ પણ આ જ માર્ગેથી બહાર જાય છે. કેટલીક વૈકલ્પિક પાઈપલાઈનની વ્યવસ્થા છે, પરંતુ તેમની કુલ ક્ષમતા માત્ર 26 લાખ બેરલ પ્રતિ દિનની છે.
સ્ટ્રેટ બંધ થવાના વૈશ્વિક પ્રભાવ શું હોઈ શકે?
1. તેલની કિંમતોમાં ઉછાળો: જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવે તો વૈશ્વિક ક્રૂડ ઓઈલના સપ્લાય પર સીધી અસર પડશે. આનાથી કિંમતો $120–150 પ્રતિ બેરલની પાર જઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડ પહેલેથી જ $90 અને WTI $87 પ્રતિ બેરલની ઉપર પહોંચી ચૂક્યું છે.
2. વૈશ્વિક વેપાર ખોરવાશે: આ જળમાર્ગ માત્ર તેલ માટે જ નહીં, પરંતુ ખાડી દેશોના સમગ્ર વેપાર માટે પણ મહત્વનો છે. તેની બંધ થવાથી દરિયાઈ કાર્ગો માર્ગો અટકી જશે, શિપમેન્ટમાં વિલંબ થશે અને ગ્લોબલ શિપિંગ કોસ્ટ વધશે. વૈકલ્પિક રૂટ લાંબો અને મોંઘો સાબિત થશે.
3. એશિયા અને યુરોપમાં ઊર્જા સંકટ: ભારત પોતાની 60%થી વધુ ક્રૂડની જરૂરિયાત ખાડી દેશોમાંથી પૂરી કરે છે. આવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે, મોંઘવારી વધશે અને આર્થિક દબાણ ઘેરું બનશે. યુરોપ પહેલેથી યુક્રેન યુદ્ધના કારણે LNG સંકટમાં છે, અને કતારથી LNG સપ્લાય ઠપ પડતા તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
4. વૈશ્વિક બજારોમાં ગભરાટ: ઊર્જા સંકટ, ફુગાવો અને સપ્લાયમાં અવરોધથી વૈશ્વિક શેરબજારોમાં ભારે ઘટાડો આવી શકે છે. ખાસ કરીને એરલાઈન્સ, શિપિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અસર પડશે. ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરો વધારી શકે છે અથવા માર્કેટમાં લિક્વિડિટી નાખી શકે છે.
5. લશ્કરી તણાવ વધશે: હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ખાડી દેશોની નૌસેનાઓ પહેલેથી હાજર છે. રૂટને ખુલ્લો રાખવા માટે લશ્કરી કાર્યવાહી અથવા એસ્કોર્ટ મિશન શક્ય છે.
ભારત માટે કેટલો ગંભીર છે ખતરો?
ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોનો 85% હિસ્સો આયાત કરે છે અને આમાં 60%થી વધુ હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સ્થિતિમાં ભારતને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ઘરેલું પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઉછાળો, ટ્રાન્સપોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ અને સમગ્ર મોંઘવારીમાં તેજ વધારાની આશંકા છે.
કતાર, ઈરાક અને યુએઈથી આવતી LNG અને ક્રૂડ શિપમેન્ટમાં વિલંબ અથવા રીરુટિંગના કારણે શિપિંગ અને ઈન્સ્યોરન્સ કોસ્ટ પણ વધશે. સાથે જ ભારતની મધ્ય પૂર્વ સાથે થતી દરિયાઈ વેપારિક ગતિવિધિઓ પર પણ અસર પડશે.
શું ઈરાનને પોતાને નુકસાન નહીં થાય?
હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવું ઈરાન માટે પણ આર્થિક આત્મઘાત જેવું હોઈ શકે છે. ઈરાનની મોટી માત્રામાં તેલનું વેચાણ – ભલે કાયદેસર હોય કે પ્રતિબંધો વચ્ચે ચોરીછૂપીથી – તે બધું આ જ રૂટથી થાય છે. આ રસ્તાને બંધ કરવાનો અર્થ છે પોતાની આવક રોકવી.
આ ઉપરાંત, અમેરિકા અને સહયોગી દેશોની લશ્કરી પ્રતિક્રિયાની પણ પૂરી સંભાવના છે. ચીન જેવા મિત્ર રાષ્ટ્રો પણ આ પગલાને સમર્થન આપવાથી ખચકાઈ શકે છે. પરિણામ એ આવશે કે ઈરાન વધુ રાજદ્વારી અને આર્થિક અલગતામાં ધકેલાઈ જશે.