White House Meeting: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. નેતન્યાહૂએ જણાવ્યું કે ટ્રમ્પ આ પુરસ્કારના સંપૂર્ણ હકદાર છે. આ નિવેદન તેમણે સોમવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની ત્રીજી બેઠક દરમિયાન આપ્યું હતું, જે 20 જાન્યુઆરીએ ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદની ત્રીજી મુલાકાત હતી.
નેતન્યાહૂએ નોબેલ સમિતિને પત્ર લખ્યો
નેતન્યાહૂએ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરતો પત્ર નોબેલ સમિતિને મોકલ્યો છે, જેની નકલ તેમણે ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં સોંપી. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે ગાઝા સીઝફાયર અને ઇરાનના ન્યૂક્લિયર સંકટ પર ચર્ચા થઈ. નેતન્યાહૂએ ટ્રમ્પની શાંતિની પહેલોની પ્રશંસા કરી અને તેમને આ પુરસ્કાર માટે યોગ્ય ગણાવ્યા.
ઇરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ પર શું થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ઇરાને પોતાનો ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કર્યો તો ટ્રમ્પ ઇઝરાયલને હુમલાની મંજૂરી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પની મધ્યસ્થીથી 24 જૂને ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. જોકે, ઇરાને ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કર્યો તો ઇઝરાયલ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. નેતન્યાહૂ અમેરિકાના આગામી પગલાં જાણવા માગે છે.