અમદાવાદમાં પતંગ મહોત્સવ 2026ની ભવ્ય શરૂઆત: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક એક જ કારમાં રિવરફ્રન્ટ પહોંચ્યા, જુઓ મહોત્સવની રોનક | Moneycontrol Gujarati
Get App

અમદાવાદમાં પતંગ મહોત્સવ 2026ની ભવ્ય શરૂઆત: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક એક જ કારમાં રિવરફ્રન્ટ પહોંચ્યા, જુઓ મહોત્સવની રોનક

Kite Festival Ahmedabad 2026: અમદાવાદમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નું ઉદ્ઘાટન કર્યું. જાણો 50 દેશોના પતંગબાજો, કિંજલ દવેના ગરબા અને નાઈટ કાઈટ ફ્લાઈંગ વિશેની તમામ વિગતો.

અપડેટેડ 10:21:12 AM Jan 12, 2026 પર
Story continues below Advertisement
Kite Festival Ahmedabad 2026: અમદાવાદમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નું ઉદ્ઘાટન કર્યું.

Kite Festival Ahmedabad 2026: અમદાવાદના આંગણે ફરી એકવાર રંગબેરંગી પતંગોનો ઉત્સવ જામ્યો છે. ગુજરાતની શાન ગણાતા 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નો આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધમાકેદાર પ્રારંભ થયો છે. આ વખતનો નજારો કંઈક અલગ જ હતો, કારણ કે મહોત્સવનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પહોંચ્યા હતા. સૌથી ખાસ વાત એ હતી કે PM મોદી અને ભારતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ એક જ કારમાં બેસીને રિવરફ્રન્ટ પર આવ્યા હતા.

રિવરફ્રન્ટ પર વિદેશી મહેમાન મંત્રમુગ્ધ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આ મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાબરમતીના આકાશમાં હજારો રંગબેરંગી અને અવનવા આકારના પતંગો લહેરાતા જોઈને તેઓ પણ અચંબિત થઈ ગયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને ગુજરાતની આ લોકપ્રિય સંસ્કૃતિથી વાકેફ કર્યા હતા.


50 દેશોના પતંગબાજોનો મેળાવડો

આ વર્ષે પતંગોત્સવ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો, પણ વૈશ્વિક બની ગયો છે. આંકડાઓ પર નજર કરીએ તો દુનિયાભરના 50 દેશોમાંથી 135 જેટલા વિદેશી પતંગબાજો પોતાની કળા બતાવવા આવ્યા છે. ભારતના અલગ-અલગ 14 રાજ્યોમાંથી 936 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પર કુલ 1,071 પતંગબાજો એકસાથે અવનવી ડિઝાઈનના પતંગો ચગાવશે.

ખાણીપીણી અને સંગીતની મજા

પતંગોત્સવમાં આવનારા મુલાકાતીઓ માટે માત્ર પતંગો જ નહીં, પણ મનોરંજનનો પણ પૂરો ડોઝ છે. દરરોજ સાંજે 7:00 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતની ફેમસ લોક ગાયિકા કિંજલ દવે પોતાના સુરોથી લોકોને ડોલાવશે.

આ ઉપરાંત, ખાણીપીણીના શોખીનો માટે 15 ફૂડ સ્ટોલ અને ખરીદી માટે 25 હસ્તકલાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. સેલ્ફી પોઈન્ટ્સ તરીકે હેરિટેજ હવેલી, ઐતિહાસિક પુલનું ઇન્સ્ટોલેશન અને પતંગ મ્યુઝિયમ પણ લોકોનું ધ્યાન ખેંચશે. સૌથી મોટું આકર્ષણ 13 જાન્યુઆરીની રાત્રે યોજાનારું નાઈટ કાઈટ ફ્લાઈંગ રહેશે, જે જોવાનો લહાવો લેવા જેવો છે.

સમગ્ર ગુજરાતમાં પતંગોનો ઉત્સાહ

અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ મહોત્સવ યોજાશે, જેથી પ્રવાસીઓ અલગ-અલગ જગ્યાએ મજા માણી શકે:

10 જાન્યુઆરી: રાજકોટ, સુરત અને કચ્છનું ધોળાવીરા.

11 જાન્યુઆરી: વડનગર, દ્વારકાનું શિવરાજપુર બીચ અને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી.

13 જાન્યુઆરી: વડોદરા.

પ્રવાસન વિભાગને મોટી આશા

વર્ષ 2025માં અંદાજે 3.83 લાખ લોકોએ પતંગ મહોત્સવની મુલાકાત લીધી હતી. જોકે, આ વર્ષે જે પ્રકારનો માહોલ છે તે જોતા પ્રવાસન વિભાગનો અંદાજ છે કે 5 લાખથી વધુ પ્રવાસીઓ આ મહોત્સવ માણવા આવશે. આ ઇવેન્ટ ગુજરાત ટુરિઝમને દુનિયાના નકશા પર વધુ મજબૂત બનાવશે તે નક્કી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 10:21 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.