દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશોની યાદી જાહેર: ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં અમેરિકા અને પાકિસ્તાનને મોટો ઝટકો, જાણો ભારત કયા નંબરે છે? | Moneycontrol Gujarati
Get App

દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશોની યાદી જાહેર: ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં અમેરિકા અને પાકિસ્તાનને મોટો ઝટકો, જાણો ભારત કયા નંબરે છે?

Global Peace Index 2026: ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026 નો નવો રિપોર્ટ જાહેર થયો છે. શાંતિની બાબતમાં અમેરિકા અને પાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઈ છે. જાણો આ લિસ્ટમાં ભારતનું સ્થાન અને દુનિયાનો સૌથી શાંત દેશ કયો છે.

અપડેટેડ 10:43:43 AM Jun 11, 2026 પર
Story continues below Advertisement
Global Peace Index 2026: ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026, વૈશ્વિક શાંતિનો નવો અહેવાલ

Global Peace Index 2026: હાલમાં દુનિયાના ઘણા ભાગોમાં યુદ્ધ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે 'ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ' (IEP) દ્વારા દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશોનું નવું લિસ્ટ એટલે કે 'ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026' (Global Peace Index 2026) જાહેર કરવામાં આવ્યું છે. આ નવા રિપોર્ટમાં કેટલાક આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે, જેમાં મહાસત્તા અમેરિકા અને પડોશી દેશ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.

ભારતનું રેન્કિંગ અને વર્તમાન સ્થિતિ

આ નવા રિપોર્ટ મુજબ, અમેરિકા, રશિયા, ઇઝરાયેલ અને ઈરાન જેવા શક્તિશાળી દેશોની સરખામણીમાં આપણો દેશ ભારત ઘણો શાંતિપૂર્ણ સાબિત થયો છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં ભારતના રેન્કિંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2025માં ભારત 124માં સ્થાને હતું. આ વર્ષે (2026) ભારત 2.409ના સ્કોર સાથે 127માં ક્રમે પહોંચી ગયું છે. આમ છતાં, અશાંતિ ફેલાવતા પાકિસ્તાન કરતા ભારતની સ્થિતિ ઘણી મજબૂત અને શાંતિપ્રિય છે.

દુનિયાનો સૌથી શાંતિપ્રિય દેશ કયો છે?

તમને જાણીને નવાઈ લાગશે કે યુરોપનો એક નાનકડો દેશ આઇસલેન્ડ (Iceland) શાંતિની બાબતમાં આખી દુનિયામાં નંબર વન છે. આઇસલેન્ડે 1.161ના શાનદાર સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે છેલ્લા 19 વર્ષથી આઇસલેન્ડ સતત દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાનો તાજ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.


અમેરિકા અને પાકિસ્તાનની હાલત કફોડી

શાંતિની આ રેસમાં અમેરિકા અને પાકિસ્તાન ઘણા પાછળ રહી ગયા છે:

અમેરિકા: 2025માં અમેરિકા 130માં સ્થાને હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય યુદ્ધોમાં સીધી રીતે સામેલ હોવાને કારણે મોટો કડાકો બોલાયો છે. હવે અમેરિકા 2.535ના સ્કોર સાથે 134માં સ્થાન પર ફેંકાઈ ગયું છે. (વેનેઝુએલા 133 માં ક્રમે છે).

પાકિસ્તાન: આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન 152માં સ્થાન પર ધકેલાઈ ગયું છે. 2025માં તે 146 માં નંબરે હતું. એટલે કે એક જ વર્ષમાં પાકિસ્તાન 6 સ્થાન નીચે ખસક્યું છે, જે દર્શાવે છે કે ત્યાં આંતરિક અશાંતિ ખૂબ વધી ગઈ છે.

અન્ય દેશો: ઈરાન 144માં સ્થાને છે. તુર્કીએ પોતાનું રેન્કિંગ સુધારીને 136મું સ્થાન મેળવ્યું છે. જ્યારે રશિયા આ યાદીમાં સૌથી નીચેના સ્તરે છે. યુદ્ધ લડી રહેલા ઇઝરાયેલના રેન્કિંગમાં સામાન્ય સુધારો થયો છે છતાં તે 160માં સ્થાને છે.

દક્ષિણ એશિયા (South Asia)ના દેશોની સ્થિતિ

જો આપણા પડોશી દેશો અને દક્ષિણ એશિયાની વાત કરીએ તો શાંતિનો ક્રમ કંઈક આ મુજબ છે:

ભૂતાન આ વિસ્તારનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. તે પછી અનુક્રમે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશનો નંબર આવે છે. આ 4 દેશો પછી ભારતનો નંબર આવે છે. ભારત પછી પાકિસ્તાન અને છેલ્લે અફઘાનિસ્તાનનો ક્રમ છે.

મુસ્લિમ અને ખાડી દેશોમાં કોણ છે સૌથી શાંત?

ઇસ્લામિક અને ગલ્ફ દેશોના આંકડા પર નજર કરીએ તો, કતાર (Qatar) દુનિયાનો સૌથી શાંત મુસ્લિમ દેશ બનીને ઉભર્યો છે. ગ્લોબલ લિસ્ટમાં કતાર 31 માં નંબર પર છે. આ ઉપરાંત કુવૈત 49 માં અને ઓમાન 60 માં સ્થાને છે.

કેવી રીતે નક્કી થાય છે આ રેન્કિંગ?

તમારા મનમાં સવાલ થતો હશે કે આ લિસ્ટ બને છે કેવી રીતે? દર વર્ષે જાહેર થતા આ ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં મુખ્ય 23 જેટલા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં દેશની અંદર અને બહાર ચાલતા વિવાદો, સેના પાછળ થતો ખર્ચ, હિંસા, ગુનાખોરીનો દર અને લોકશાહીની સ્થિતિ જેવા મહત્વના મુદ્દાઓનું ઝીણવટભર્યું રિસર્ચ કરીને પછી જ દેશોને રેન્કિંગ આપવામાં આવે છે.

આ પણ વાંચો- UHM Vacation IPO Listing: લિસ્ટિંગ થતા જ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, એક જ લોટમાં 31,840 નો મોટો કડાકો!

MoneyControl News

MoneyControl News

First Published: Jun 11, 2026 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.