Indian economy news: દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. FY26ના 11 મહિનામાં નાણાકીય ખાધ ઘટીને અંદાજના 80.4% રહી.
Indian economy news: ભારત દેશની આર્થિક સ્થિતિ એટલે કે ફાઇનાન્સિયલ હેલ્થમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. સોમવારે 30 માર્ચના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા આ વાતની સાબિતી આપે છે. નાણાકીય વર્ષ 2026 (FY26)ના પહેલા 11 મહિનાના આંકડા મુજબ, દેશની નાણાકીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ)માં વાર્ષિક ધોરણે ઘટાડો નોંધાયો છે. હાલમાં આ ખાધ આખા વર્ષના અંદાજના 80.4% સુધી પહોંચી છે. જોકે, આ આંકડાઓમાં એક રસપ્રદ વાત એ છે કે માત્ર ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો તેમાં ખાધ વધેલી જોવા મળી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ આ આખા આંકડાઓની માયાજાળ અને જાણીએ કે ફેબ્રુઆરીમાં ખાધ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે.
11 મહિનામાં નાણાકીય ખાધ કંટ્રોલમાં આવી
સરકારી આંકડાઓ પ્રમાણે, એપ્રિલથી ફેબ્રુઆરી સુધીના 11 મહિનામાં દેશની કુલ નાણાકીય ખાધ 12.52 લાખ કરોડ રૂપિયા રહી છે, જે આખા વર્ષના ટાર્ગેટના 80.4% છે. જો આપણે ગયા વર્ષના આ જ સમયગાળા સાથે સરખામણી કરીએ, તો તે સમયે ખાધ 13.47 લાખ કરોડ રૂપિયા હતી. આ દર્શાવે છે કે સરકાર પોતાની નાણાકીય સ્થિતિને ખૂબ સારી રીતે કંટ્રોલ કરી રહી છે. અગાઉ એપ્રિલથી જાન્યુઆરી સુધી આ ખાધ 9.81 લાખ કરોડ રૂપિયા હતી, જે વાર્ષિક લક્ષ્યાંકના 63% જેટલી થતી હતી. જે ગયા વર્ષે 11.70 લાખ કરોડ રૂપિયા હતી. આમ, ઓવરઓલ આખા વર્ષનું ચિત્ર ઘણું પોઝિટિવ દેખાઈ રહ્યું છે.
ફેબ્રુઆરીમાં અચાનક ખાધ કેમ વધી ગઈ?
ઓવરઓલ ખાધ ભલે ઘટી હોય, પરંતુ માત્ર ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય ખાધ ગયા વર્ષના 1.77 લાખ કરોડ રૂપિયાથી વધીને 2.71 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આની પાછળનું સૌથી મોટું કારણ છે 'કેપિટલ એક્સપેન્ડિચર' એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામો પાછળ સરકારે કરેલો જંગી ખર્ચ.
ફેબ્રુઆરી મહિનામાં સરકારનો કેપિટલ ખર્ચ વાર્ષિક ધોરણે 54,500 કરોડ રૂપિયાથી સીધો ઉછળીને 87,000 કરોડ રૂપિયા થઈ ગયો. જો 11 મહિના (એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026) ની વાત કરીએ, તો કુલ કેપિટલ ખર્ચ 9.3 લાખ કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષે 8.1 લાખ કરોડ રૂપિયા હતો. આ દર્શાવે છે કે સરકાર દેશમાં રસ્તા, બ્રિજ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સ બનાવવા પર પૂરો ભાર મૂકી રહી છે.
સરકારની કમાણીમાં પણ થયો ધરખમ વધારો
એક તરફ સરકારે ખર્ચો વધાર્યો છે, તો બીજી તરફ સરકારની આવકમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.
ટેક્સ કલેક્શન: શરૂઆતના 11 મહિનામાં નેટ ટેક્સ કલેક્શન 20.2 ટ્રિલિયન રૂપિયાથી વધીને 21.5 ટ્રિલિયન રૂપિયા પર પહોંચી ગયું છે.
નોન-ટેક્સ આવક: ટેક્સ સિવાયના અન્ય રસ્તાઓથી થતી કમાણી પણ 4.9 ટ્રિલિયન રૂપિયાથી વધીને 5.8 ટ્રિલિયન રૂપિયા થઈ છે.
જોકે, આ જ સમયગાળામાં સરકારનો કુલ ખર્ચ પણ 38.9 ટ્રિલિયન રૂપિયાથી વધીને 40.4 ટ્રિલિયન રૂપિયા નોંધાયો છે.
ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારે આખા વર્ષની ખાધના ટાર્ગેટનો 80% હિસ્સો વાપરી લીધો છે. હવે નાણાકીય વર્ષ 2026 ના છેલ્લો મહિનો એટલે કે માર્ચ બાકી છે. આ છેલ્લા મહિનામાં સરકારની આવક અને જાવક કેવી રહે છે, તેના પર શેરબજારના રોકાણકારો અને મોટી રેટિંગ એજન્સીઓની ચાંપતી નજર રહેશે.