હોંગકોંગના તાઈ પો જિલ્લામાં ભીષણ આગથી 44 લોકોના મોત
Hong Kong fire: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલા વાંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સમાં બુધવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 44 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 279 લોકો હજુ પણ લાપતા છે. અહેવાલો અનુસાર, કોમ્પ્લેક્સની 8માંથી 7 ઇમારતોમાં આગ ફેલાઈ ગઈ હતી, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. બચાવકર્મીઓએ સવાર સુધી બળી રહેલી ઉંચી ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ રાખ્યું હતું. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે અને તેમના પર બેદરકારીપૂર્વક મૃત્યુ નિપજાવવાનો કેસ ચાલવાની શક્યતા છે. આ આગ બુધવારે બપોરના સમયે ન્યુ ટેરીટરીઝના ઉપનગરીય વિસ્તાર તાઈ પો જિલ્લાના રહેણાંક કોમ્પ્લેક્સમાં લાગી હતી. ગુરુવાર સવાર સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હતો અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ હતું.
અધિકારીઓએ જણાવ્યું કે કુલ મૃત્યુ પામેલા 44 લોકોમાંથી 40 લોકોનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. આ ભીષણ આગ વાંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સની 8 માંથી 7 ઇમારતોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે સેંકડો લોકોને બચાવવાની ફરજ પડી હતી. ઇમારતોની બારીઓમાંથી જોરદાર જ્વાળાઓ અને ધુમાડો બહાર નીકળતો સ્પષ્ટ દેખાતો હતો. આ ભીષણ આગમાં ઓછામાં ઓછા 62 લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાક લોકો સીધા આગની ઝપેટમાં આવ્યા હતા જ્યારે અન્યને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અધિકારીઓને શંકા છે કે ઊંચી ઇમારતોની બાહ્ય દિવાલો પર લગાવવામાં આવેલી કેટલીક સામગ્રી આગ-પ્રતિરોધક માપદંડોને પૂર્ણ કરતી ન હતી, જેના કારણે આગ આટલી ઝડપથી પ્રસરી.
પોલીસના જણાવ્યા અનુસાર, જે ઇમારતો આગથી પ્રભાવિત નહોતી થઈ, તેની લિફ્ટ લોબી પાસે દરેક માળે બહારની બાજુએ સ્ટાયરોફોમ સામગ્રી મળી આવી હતી, જે અત્યંત જ્વલનશીલ હોય છે. આ સામગ્રી એક નિર્માણ કંપની દ્વારા લગાવવામાં આવી હતી. પોલીસના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઇલીન ચુંગે જણાવ્યું કે, "અમને ખાતરી છે કે નિર્માણ કંપનીના જવાબદાર લોકો ગંભીર બેદરકારી માટે દોષિત છે." ધરપકડ કરાયેલા 3 લોકોની ઉંમર 52થી 68 વર્ષની વચ્ચે છે અને તેઓ કંપનીના ડિરેક્ટર તથા એક એન્જિનિયરિંગ સલાહકાર છે. ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે 4 ઇમારતોમાં આગ "કાબૂમાં આવી રહી છે."
અધિકારીઓએ જણાવ્યું કે આગ 32 માળની એક ઇમારતના બાહ્ય સ્કેફોલ્ડિંગથી શરૂ થઈ હતી અને પછી અંદર ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ, તેજ પવનોને કારણે તે આસપાસની ઇમારતોમાં પણ પહોંચી ગઈ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે આ અગ્નિકાંડ પર શોક વ્યક્ત કર્યો. સરકારી મીડિયા અનુસાર, તેમણે એક ફાયરફાયટરના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. શહેરના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું કે સરકાર આ આપત્તિને પ્રાથમિકતા આપશે અને 7 ડિસેમ્બરે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીઓ માટેના જાહેર પ્રયાસોને રોકશે. તેમણે ચૂંટણીઓ મુલતવી રાખવા અંગે કશું કહ્યું નહીં, પરંતુ જણાવ્યું કે નિર્ણય "થોડા દિવસો પછી" લેવામાં આવશે.
It is heartbreaking to see Hong Kong experiencing a major housing estate fire affecting more than 4,600 residents. It has become global news, and even after 13 hours, it is still not under control. Sadly, 36 people have lost their lives, including a firefighter. Please keep them… pic.twitter.com/nY4SmkzJ67
વાંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સ કુલ 8 ઇમારતોનું બનેલું છે, જેમાં લગભગ 2000 એપાર્ટમેન્ટ્સ છે અને આશરે 4800 લોકો રહે છે, જેમાં ઘણા વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ કોમ્પ્લેક્સ 1980ના દાયકામાં બન્યું હતું અને તાજેતરમાં જ તેનું મોટું રીનોવેશન ચાલી રહ્યું હતું. ફાયર ચીફ્સે જણાવ્યું કે ઘટનાસ્થળે અત્યંત વધુ ગરમીના કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું હતું. ઇમારતોની બહાર વાંસના સ્કેફોલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન નેટ્સ લાગેલા હતા, જેના કારણે ઊંચી જ્વાળાઓ અને ગાઢ ધુમાડો પ્રસરી રહ્યો હતો. આશરે 900 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સેંકડો ફાયરફાયટર, પોલીસ અધિકારીઓ અને પેરામેડિક્સને તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયરફાયટરોએ લેડર ટ્રકોનો ઉપયોગ કરીને ઉપરથી પાણીનો છંટકાવ કર્યો હતો.
તાઈ પો એ ન્યુ ટેરીટરીઝનો એક ઉપનગરીય વિસ્તાર છે, જે હોંગકોંગના ઉત્તરી ભાગમાં અને ચીનના શહેર શેનઝેનની સરહદ નજીક આવેલો છે. હોંગકોંગમાં નિર્માણ અને નવીનીકરણ પ્રોજેક્ટ્સમાં વાંસના સ્કેફોલ્ડિંગનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ સરકારે આ વર્ષની શરૂઆતમાં સુરક્ષા ચિંતાઓને કારણે જાહેર પ્રોજેક્ટ્સમાંથી તેને તબક્કાવાર દૂર કરવાની વાત કરી હતી. આ આગ છેલ્લા કેટલાક દાયકાઓમાં હોંગકોંગમાં સૌથી ભયાનક અગ્નિકાંડ પૈકી એક છે. આ પહેલા, નવેમ્બર 1996માં કોવલૂનની એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગમાં 41 લોકોએ જીવ ગુમાવ્યા હતા.