મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: BKC-શિલફાટા વચ્ચે 2.7 KMની ટનલનું કામ પૂર્ણ, NHSRCLની મોટી જાહેરાત
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને થાણેના શિલ્ફાટા વચ્ચેનો 2.7 કિમીનો સતત ટનલ વિભાગ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જે અબજ ડોલરના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટી સફળતા છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની કુલ અંદાજિત કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા છે.
Mumbai-Ahmedabad Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વની સફળતા મળી છે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને થાણેના શિલફાટા વચ્ચે 2.7 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આ અંગે માહિતી આપી છે, જે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના નિર્માણમાં મોટું પગલું છે.
21 KM લાંબી ટનલનો ભાગ
NHSRCLના જણાવ્યા અનુસાર, આ 2.7 KMની ટનલ 21 કિલોમીટર લાંબી ટનલનો એક ભાગ છે, જે આ પ્રોજેક્ટનો મહત્વનો હિસ્સો છે. આ ટનલના 16 KM ભાગનું નિર્માણ ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા કરવામાં આવશે, જ્યારે બાકીના 5 KM શિલફાટા અને ઘનસોલી વચ્ચે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NAT) દ્વારા બનાવવામાં આવશે. આ ટનલમાં થાણે ક્રીકની નીચે 7 KMનો સમુદ્રી ભાગ પણ સામેલ છે.
શિલફાટા અને ઘનસોલી બાજુથી એકસાથે ખોદકામ શક્ય બનાવવા, એક વધારાની મધ્યવર્તી ટનલ (ADIT) બનાવવામાં આવી છે. NATM ખંડમાંથી શિલફાટા બાજુથી 1.62 KMનું ખોદકામ પૂર્ણ થયું છે.
સલામતીના કડક પગલાં
NHSRCLએ જણાવ્યું કે ટનલ નિર્માણ દરમિયાન આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેણાંક વિસ્તારોને અસર ન થાય તે માટે વ્યાપક સલામતી ઉપાયો અપનાવવામાં આવ્યા છે. આમાં ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર, પીઝોમીટર, ઈન્ક્લિનોમીટર, સ્ટ્રેન ગેજ અને બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની કુલ અંદાજિત કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકાર 10,000 કરોડ રૂપિયાનું યોગદાન આપશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર દરેક 5,000 કરોડ રૂપિયાનું યોગદાન આપશે. બાકીની રકમ જાપાન દ્વારા 0.1 ટકા વ્યાજ દરે લોન તરીકે આપવામાં આવશે.
શા માટે છે આ પ્રોજેક્ટ મહત્વનો?
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતના બે મુખ્ય નાણાકીય કેન્દ્રો, મુંબઈ અને અમદાવાદને જોડશે, જેનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને પરિવહન કાર્યક્ષમતામાં વધારો થશે. આ પ્રોજેક્ટ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.