NHB new rules: મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને હવે નહીં મળે બાગાયતી સબસિડી, કેન્દ્ર સરકારે બદલ્યા NHBના નિયમો
Horticulture Subsidy: કેન્દ્ર સરકારે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓને બાગાયતી સબસિડીનો લાભ નહીં મળે. જાણો કોને મળશે લાભ અને શું છે નવા નિયમો.
સરકારે આ કડક નિયમોમાંથી મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને વર્ગ 4ના કર્મચારીઓને મુક્તિ આપી છે. એટલે કે આ નાના કર્મચારીઓ સબસિડી માટે અરજી કરી શકે છે.
Horticulture Subsidy: કેન્દ્ર સરકારે ખેતી અને બાગાયતી યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે દેશના કોઈપણ મંત્રી, સાંસદ કે ધારાસભ્ય બાગાયતી સબસિડીનો લાભ લઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની કોમર્શિયલ હોર્ટિકલ્ચર અને કોલ્ડ સ્ટોરેજ સ્કીમ હેઠળ આર્થિક સહાય મેળવવાના નિયમોને એકદમ કડક બનાવી દીધા છે. નવી ગાઈડલાઈન્સ 21 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી છે અને તે તાત્કાલિક અસરથી લાગુ પણ કરી દેવામાં આવી છે.
કોને હવે નહીં મળે સબસિડીનો લાભ?
નવા નિયમો મુજબ, હવે કેટલાક ખાસ હોદ્દા પર બેઠેલા લોકોને આ યોજનામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના લોકો સામેલ છે:
* બંધારણીય પદો પર બેઠેલા લોકો
* વર્તમાન મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો
* મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખો
* કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો અને વિભાગોના કર્મચારીઓ
* પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (PSU) અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કર્મચારીઓ
દર મહિને 10,000 રૂપિયા કે તેથી વધુ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ
આ લોકોને નિયમોમાંથી મળી છે છૂટ
સરકારે આ કડક નિયમોમાંથી મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને વર્ગ 4ના કર્મચારીઓને મુક્તિ આપી છે. એટલે કે આ નાના કર્મચારીઓ સબસિડી માટે અરજી કરી શકે છે.
પરિવાર માટે શું છે નવો નિયમ?
નવી ગાઈડલાઈન્સ મુજબ, પ્રતિબંધિત કેટેગરીમાં આવતા લોકોના પરિવારના સભ્યો આ સ્કીમ હેઠળ જીવનમાં માત્ર 1 વખત આર્થિક મદદ લઈ શકે છે. પરંતુ આ માટે પરિવારની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. પરિવારમાં અરજદારના જીવનસાથી (પતિ/પત્ની), માતા-પિતા, દીકરા અને દીકરીઓનો જ સમાવેશ થશે. એક પરિવારમાંથી માત્ર 1 જ સભ્ય આર્થિક સહાય માટે લાયક ગણાશે. જો પરિવારના કોઈ 1 સભ્યને સહાય મળી ગઈ, તો તે આખા પરિવારને મળેલી સહાય ગણવામાં આવશે.
નિયમોમાં કેમ કરવો પડ્યો આટલો મોટો ફેરફાર?
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સબસિડીનું સમાન વિતરણ અને પારદર્શિતા લાવવાનું છે. તાજેતરમાં જ એક મોટો ખુલાસો થયો હતો કે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી અને ભાજપના સાંસદ લુંબા રામે NHB સ્કીમ હેઠળ લાખો રૂપિયાનો ફાયદો ઉઠાવ્યો હતો. આ વાત સામે આવ્યાના થોડા જ અઠવાડિયામાં સરકારે નિયમો બદલી નાખ્યા છે.
કૃષિ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુરે 28 જુલાઈના રોજ સંસદમાં માહિતી આપી હતી કે ભગીરથ ચૌધરીએ સબસિડીની રકમ બેંકને પરત કરી દીધી છે, અને બેંકને તે ફંડ પાછું NHB ને મોકલવા સૂચના અપાઈ છે.
શું છે આ યોજના અને કેટલી મળતી હતી સબસિડી?
કેન્દ્ર સરકારની આ બાગાયતી યોજનાનું પૂરું નામ Mission for Integrated Development of Horticulture છે. આ યોજનાનો મુખ્ય હેતુ મોટા પાયે બાગાયતી પાકોની કોમર્શિયલ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનામાં 3 પ્રકારના શાકભાજી અને 8 પ્રકારના ફૂલ જેમ કે ગુલાબ, લિલી અને ગુલદાઉદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફળો, મસાલા, મશરૂમ અને નર્સરી પણ કવર થાય છે. આ સ્કીમ હેઠળ પ્રોજેક્ટના કુલ ખર્ચના 50% રકમ સબસિડી તરીકે આપવામાં આવે છે. એક પરિવાર માટે સબસિડીની મહત્તમ મર્યાદા 1 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સરકારના આ પગલાથી હવે સામાન્ય અને જરૂરિયાતમંદ ખેડૂતોને આ યોજનાનો વધુ લાભ મળશે અને મોટા માથાઓ દ્વારા લેવાતી ડબલ સબસિડી પર કાયમી બ્રેક લાગી જશે.