Weather Update: દિલ્હીમાં વરસાદ નહિ, પરંતુ UP-બિહાર સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ભારતીય હવામાન વિભાગે UP અને બિહાર સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં વરસાદની શક્યતા નહિવત્ છે. બહાર જતા પહેલા અહીં જાણો તમારા રાજ્યનું લેટેસ્ટ હવામાન અપડેટ.
હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આવનારા 3 થી 4 દિવસોમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો (જેમ કે અસમ અને મેઘાલય) માં અતિભારે વરસાદ ખાબકી શકે છે.
Weather Update: સમગ્ર દેશમાં અત્યારે ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. ઘણા રાજ્યોમાં પડી રહેલા ભારે વરસાદે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી થોડા કલાકોમાં દેશના 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીવાસીઓને હજુ વરસાદ માટે રાહ જોવી પડશે, જ્યારે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી 3 થી 4 દિવસ કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આવનારા 3 થી 4 દિવસોમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજી તરફ, આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 15 જુલાઈ સુધી ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. ઓડિશા અને તમિલનાડુમાં પણ હવામાન ગરમ અને ભારે ભેજવાળું રહેશે. નોંધનીય છે કે ગત દિવસે પણ હવામાન વિભાગે 18 રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી હતી.
કયા 22 રાજ્યોમાં છે વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં દેશના 22 રાજ્યોમાં મેઘમહેર થઈ શકે છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, સિક્કિમ અને અસમનો સમાવેશ થાય છે.
દિલ્હી-NCR માં વરસાદ નહિ, બફારો સતાવશે
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદ બાદ હવે હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. 14 થી 18 જુલાઈ વચ્ચે દિલ્હીમાં વરસાદ પડવાની શક્યતા બિલકુલ નહિવત્ છે. આકાશમાં વાદળોની આવન-જાવન રહેશે, પરંતુ તડકો નીકળવાને કારણે તાપમાનમાં વધારો થશે અને લોકોને ભારે ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે.
UP, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ
બિહાર: 14 અને 15 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ 19 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
ઉત્તર પ્રદેશ: 14 થી 19 જુલાઈ વચ્ચે વરસાદની સંભાવના છે. ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 17 થી 19 જુલાઈ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ઝારખંડ: 14 થી 17 જુલાઈ સુધી સારો વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન આકાશમાં વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવનો ફૂંકાવાની પણ આગાહી છે.
પહાડી રાજ્યો અને રાજસ્થાનનું હવામાન
ઉત્તરાખંડ: 15 થી 19 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની અને વીજળી પડવાનું જોખમ રહેલું છે.
હિમાચલ પ્રદેશ: 18 અને 19 જુલાઈના રોજ આંધી-તોફાન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે.
જમ્મુ-કાશ્મીર: અહીં પણ 18 અને 19 જુલાઈએ તેજ પવનો સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજસ્થાન: હાલમાં 14 જુલાઈના રોજ રાજસ્થાનનું હવામાન એકદમ સાફ રહેશે. હવામાન વિભાગે અહીં વરસાદ માટે કોઈ નવું એલર્ટ જાહેર કર્યું નથી.