પાકિસ્તાન જાસૂસી કેસમાં ઓડિશાની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિનું નામ ચર્ચામાં, જ્યોતિ મલ્હોત્રા સાથેના સંબંધોની તપાસ શરૂ
આ કેસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની એક્ટિવિટીઝ પર પણ સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને જ્યારે વાત નેશનલ સિક્યોરિટીની હોય. પ્રિયંકા અને જ્યોતિના કેસમાં આવનારા અપડેટ્સ પર સૌની નજર રહેશે.
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ઝડપાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવો ખુલાસો થયો છે.
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ઝડપાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવો ખુલાસો થયો છે. ઓડિશાના પુરી ખાતે રહેતી અન્ય એક યુટ્યુબર પ્રિયંકા સેનાપતિનું નામ આ મામલે સામે આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓ પ્રિયંકાની પાકિસ્તાન મુલાકાત અને જ્યોતિ સાથેના તેના કનેક્શનની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી પ્રિયંકાની ધરપકડ થઈ નથી અને તે પોતાના ઘરે જ છે.
પ્રિયંકા સેનાપતિ કોણ છે?
પ્રિયંકા સેનાપતિ એક યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર છે, જે પુરીમાં રહે છે. તેની યુટ્યુબ ચેનલ 'Prii_vlogs' પર 14,600થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના 20,000 ફોલોઅર્સ છે. તે મોટાભાગે ઓડિશા અને ભારતના અન્ય ભાગોની ટ્રાવેલ વ્લોગ્સ બનાવે છે. માર્ચ 2024માં, તેણે પાકિસ્તાનના કરતારપુર કોરિડોરની મુલાકાતનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેનું ટાઇટલ હતું - "પાકિસ્તાનમાં ઉડિયા ગર્લ | કરતારપુર કોરિડોર ગાઈડ | ઓડિયા બ્લોગ". આ વીડિયો બાદ તે તપાસ એજન્સીઓના રડાર પર આવી છે.
જ્યોતિ મલ્હોત્રા સાથે કેવું કનેક્શન?
જ્યોતિ મલ્હોત્રા, જેની યુટ્યુબ પર 3.77 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 1.33 લાખ ફોલોઅર્સની મજબૂત ફેન ફોલોઇંગ છે, તેની હરિયાણા પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. આરોપ છે કે જ્યોતિ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીના ટચમાં હતી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. 13 મેના રોજ ભારત સરકારે આ પાકિસ્તાની અધિકારીને દેશમાંથી હાંકી કાઢ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રિયંકા સેનાપતિ જ્યોતિના સંપર્કમાં હતી, ખાસ કરીને કરતારપુર મુલાકાત દરમિયાન. આ બાબતે પુરીના એસપી વિનીત અગ્રવાલે જણાવ્યું કે, "પ્રિયંકાની પાકિસ્તાન ટ્રિપ અને જ્યોતિ સાથેના તેના રિલેશનના દરેક એંગલની તપાસ ચાલી રહી છે."
પ્રિયંકાનો ખુલાસો
આ કેસમાં નામ આવ્યા બાદ પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું વર્ઝન રજૂ કર્યું છે. તેણે લખ્યું, "જ્યોતિ મારી એક ફ્રેન્ડ હતી, જેનો હું યુટ્યુબ દ્વારા કોન્ટેક્ટમાં આવી હતી. મને ખબર નહોતી કે તે કોઈ રાષ્ટ્રવિરોધી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે. જો મને થોડી પણ શંકા હોત, તો હું ક્યારેય તેની સાથે ટચમાં ન રહી હોત. હું તપાસ એજન્સીઓ સાથે પૂરો સહકાર આપવા તૈયાર છું. દેશ સૌથી ઉપર છે. જય હિંદ."
પ્રિયંકાના પિતાએ પણ મીડિયાને જણાવ્યું, "અમને આ બધી વાતની ખબર મીડિયા દ્વારા જ પડી. અમને નહોતી ખબર કે જ્યોતિ જાસૂસી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. પ્રિયંકા એક સ્ટુડન્ટ છે અને યુટ્યુબર પણ છે. તે બીજા લોકો સાથે કરતારપુરની ટ્રિપ પર ગઈ હતી."
જ્યોતિ મલ્હોત્રા કેસનો બેકગ્રાઉન્ડ
જ્યોતિ મલ્હોત્રા પર આરોપ છે કે તે પાકિસ્તાનના હાઈ કમિશનના ઓફિસરને ગુપ્ત માહિતી પૂરી પાડતી હતી. તેની ધરપકડ બાદ તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યોતિએ પુરીમાં કોનો સંપર્ક કર્યો હતો અને શું કોઈ શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી. આ કેસમાં પ્રિયંકા સેનાપતિની ભૂમિકા પણ તપાસના દાયરામાં છે, પરંતુ હજુ સુધી તેની સામે કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી.
તપાસ એજન્સીઓ હવે પ્રિયંકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વીડિયો કન્ટેન્ટ અને પાકિસ્તાન ટ્રિપની ડિટેલ્સ ચકાસી રહી છે. પુરી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ કેસને લઈને અલર્ટ મોડમાં છે. આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે.