Onion price: રાજ્યમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.
ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી. એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈપણ ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતું નથી. માણેકવાડાના ખેડૂત પ્રવીણભાઈ વસોયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે. હું પહેલા ડુંગળી લઈને આવ્યો હતો ત્યારે મને 500થી 600 રૂપિયા મળ્યા હતા. હાલ ફરી બીજી વખત ડુંગળી લઈને આવ્યો છું તો મને 300થી 350 રૂપિયા પણ મળતા નથી અને કોઈપણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી. જો આ ડુંગળી બેથી ત્રણ દિવસ પડી રહે તો ડુંગળી કોઈપણ વેપારી લેવા ત્યાર થશે નહીં. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈપણ નિર્ણય વહેલો કરવામાં આવે બાકી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવશે.
ખેડૂતોને કાળી મજૂરી કરીને પકવેલા પાકોના પોષણશમ ભાવો મળતા નથી. ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીના જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. 1 વિધે 25 હજાર જેવો ખર્ચ કરીને પકવેલ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. ડુંગળીની ક્યાંય હરાજી થતી ના હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય ત્યારે ડુંગળી પર સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેતા ખેડૂતોને હવે ગંભીર દહેશત વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે.