પાકિસ્તાની સેનાની રાતોની ઊંઘ ઉડી: LoC પર સતત 10મી રાતે ગોળીબાર, ભારતીય સેનાએ બમણી તાકાતથી આપ્યો જવાબ
પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતીય સેના પાકિસ્તાનના દરેક ઉશ્કેરણીજનક પગલાંનો કડક જવાબ આપી રહી છે, જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હસ્તક્ષેપની માગણી કરી રહ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બની શકે છે.
પહેલગામ હુમલા બાદ ભારતની સંભવિત જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાની સેના બેચેન બની છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાને વળતો પ્રહાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આ હુમલામાં 26 નાગરિકોનાં મોત થયાં હતાં. નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આતંકી હુમલાનો જવાબ કેવી રીતે, ક્યારે અને ક્યાં આપવો તે ભારતીય સેના નક્કી કરશે.
LoC પર પાકિસ્તાનનું યુદ્ધવિરામ ઉલ્લંઘન
પહેલગામ હુમલા બાદ ભારતની સંભવિત જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાની સેના બેચેન બની છે. શનિવારે સતત 10મી રાતે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ભારતીય ચોકીઓને નિશાન બનાવી, બિનઉશ્કેરાયેલ ગોળીબાર કર્યો. જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલા, પુંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનના આ ગોળીબારનો બમણી તાકાતથી તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો.
સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
એક દિવસ પહેલાં, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 2 અને 3 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં LoC પર બિનઉશ્કેરાયેલ ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ આ ગોળીબારનો ત્વરિત અને સમાન જવાબ આપ્યો હતો. આ ઘટના પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગણીના એક દિવસ બાદ બની. તેમણે દાવો કર્યો હતો કે, પહેલગામ હુમલાના જવાબમાં ભારત કાર્યવાહી કરી શકે છે, જેને પાકિસ્તાને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી, પરંતુ 22 એપ્રિલના પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશોએ એકબીજા વિરુદ્ધ કડક પગલાં લીધાં છે. પાકિસ્તાને LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ કર્યું છે. ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરતાં આતંકીઓ અને તેમના પરિવારોનાં ઘરો નષ્ટ કરવાનું શરૂ કર્યું છે. પહેલગામ હત્યાકાંડમાં સામેલ આદિલ હુસૈન થોકર અને આસિફ શેખનાં ઘરો વિસ્ફોટ દ્વારા નષ્ટ કરવામાં આવ્યાં છે.
ભારતના કડક પગલાં
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેતાં અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ બંધ કરી દીધું, પાકિસ્તાની નાગરિકોના તમામ ટૂંકા ગાળાના વિઝા રદ કરી તેમને દેશ છોડવા જણાવ્યું, 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કરી અને પાકિસ્તાની ઉડાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. જવાબમાં, પાકિસ્તાને 1972ના શિમલા સમજૂતીનું પાલન નહીં કરવાની જાહેરાત કરી.