મ્યુચ્યુઅલ ફંડમાં SIP કઈ તારીખે કરવી? શું રિટર્ન પર તેની અસર પડે છે? જાણો હકીકત
શું SIPની તારીખ બદલીને તમે વધુ કમાણી કરી શકો છો? 10 વર્ષના ડેટાએ આ લોકપ્રિય માન્યતાની સત્યતા ખોલી દીધી છે. ચાલો જાણીએ કે SIPની તારીખ રિટર્ન પર કેટલી અને કેવી અસર કરે છે.
જો તમે નોકરી કરતા હો અને તમારો પગાર મહિનાની શરૂઆતમાં આવે, તો SIPની તારીખ 1થી 5 તારીખની વચ્ચે રાખી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) લાંબા ગાળે ઉચ્ચ રિટર્ન આપવાનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. આમાં દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે. પરંતુ, SIPની રકમ કપાવાની તારીખ શું હોવી જોઈએ, તેને લઈને રોકાણકારોમાં અલગ-અલગ મત છે.
કેટલાક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો મહિનાની શરૂઆતમાં, ખાસ કરીને પગાર આવ્યા પછી તરત જ SIP શરૂ કરવાનું પસંદ કરે છે. તેમને લાગે છે કે આ શિસ્તબદ્ધ અને સમજદાર રીત છે, જેનાથી SIPની રકમ અન્ય ખર્ચમાં વપરાઈ જવાનો ડર રહેતો નથી.
બીજી તરફ, કેટલાક રોકાણકારો માને છે કે મહિનાના મધ્યમાં કે અંતમાં SIP કરવાથી વધુ સારું રિટર્ન મળી શકે છે, ખાસ કરીને જ્યારે બજારમાં ઉતાર-ચઢાવ હોય, જેમ કે મહિનાના છેલ્લા ગુરુવારે (F&O એક્સપાયરી).
પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આવી માન્યતાઓ પાછળ કોઈ નક્કર ડેટા છે, કે આ ફક્ત બજારની અફવાઓ છે? શું SIPની તારીખ ખરેખર રિટર્ન પર અસર કરે છે? ચાલો આનો જવાબ જાણીએ.
શું SIPની તારીખ રિટર્નને અસર કરે છે?
જવાબ છે... હા, પરંતુ ખૂબ જ નજીવી. આ અંગે MutualFundsને લઇ 10 વર્ષનું વિશ્લેષણ બહાર આવ્યું છે. જેમાં રિપોર્ટમાં એક લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડના SIP રિટર્નની તપાસ માટે માર્ચ 2015થી માર્ચ 2025 સુધીનો ડેટા ચકાસ્યો, જેમાં દરેક તારીખનો સમાવેશ કરવામાં આવ્યો.
વિશ્લેષણનું પરિણામ
સીધું કહીએ તો, કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. SIP રિટર્ન લગભગ સમાન જ રહ્યા—3.07%થી 13.26%ની વચ્ચે. એટલે કે, જો તમે દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો 10 વર્ષમાં તમારા રોકાણનું મૂલ્ય 2.35 લાખથી 2.38 લાખ રૂપિયાની વચ્ચે હોત.
આનાથી સ્પષ્ટ થાય છે કે તમે SIP કઈ તારીખે કરો છો, તેનાથી લાંબા ગાળે ખાસ ફરક પડતો નથી. ખરો ફરક નીચેની બાબતો પરથી પડે છે:
-તમે કયા મ્યુચ્યુઅલ ફંડ અને સ્કીમમાં રોકાણ કરો છો.
-તમે કેટલા લાંબા સમય સુધી SIP ચાલુ રાખો છો.
-તમે દર વર્ષે SIPની રકમ વધારો છો, જેમ કે પગાર વધે તેમ.
-તમારી જોખિમ લેવાની ક્ષમતા (રિસ્ક પ્રોફાઇલ) કેવી છે.
તો તમારે શું કરવું જોઈએ?
તમે SIPની તારીખ તમારી સુવિધા પ્રમાણે પસંદ કરી શકો છો. જો તમે નોકરી કરતા હો અને તમારો પગાર મહિનાની શરૂઆતમાં આવે, તો SIPની તારીખ 1થી 5 તારીખની વચ્ચે રાખી શકો છો. જો તમે વ્યવસાય કરો છો અને તમારી આવક મહિનાના મધ્યમાં કે અંતમાં આવે, તો તે પ્રમાણે તારીખ નક્કી કરી શકો છો.