ગુજરાતમાં હૃદયરોગનો ખતરો: દર કલાકે 12 ઈમરજન્સી કોલ, માત્ર એક વર્ષમાં કેસમાં 14%નો ઉછાળો
Gujarat heart emergency cases: ગુજરાતમાં હૃદયને લગતી બીમારીઓ ભયજનક રીતે વધી રહી છે. 2026ના પ્રથમ 8 મહિનામાં જ 72,307 કેસ નોંધાયા છે. 108 ઇમરજન્સીના નવા આંકડા મુજબ દર કલાકે 12 લોકોને તાત્કાલિક સારવારની જરૂર પડે છે.
ચાલુ વર્ષે એટલે કે 2026ના માત્ર પ્રથમ 8 મહિનામાં જ હૃદયની ઇમરજન્સીના 72,307 કોલ્સ નોંધાઈ ચૂક્યા છે.
Gujarat heart emergency cases: ગુજરાતમાં હૃદયને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હવે એક ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. 108 ઇમરજન્સી સેવાના લેટેસ્ટ આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે. ચાલુ વર્ષે એટલે કે 2026ના માત્ર પ્રથમ 8 મહિનામાં જ હૃદયની ઇમરજન્સીના 72,307 કોલ્સ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડાનો સીધો અર્થ એ છે કે રાજ્યમાં દર કલાકે 12 અને દરરોજ સરેરાશ 298 લોકોને હૃદયરોગના કારણે તાત્કાલિક સારવાર લેવી પડે છે.
એક જ વર્ષમાં નોંધાયો મોટો ઉછાળો
જો આપણે ગયા વર્ષના ડેટા સાથે સરખામણી કરીએ તો 2025માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં હૃદયની સમસ્યાના કુલ 63,652 કેસ નોંધાયા હતા. તેની સામે આ વર્ષે આ જ સમયગાળામાં કેસની સંખ્યા વધીને 72,307 પર પહોંચી ગઈ છે, જે 13.60%નો સીધો વધારો સૂચવે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો કેસ વધવાનો આ જ સિલસિલો ચાલુ રહ્યો, તો 2026ના અંત સુધીમાં આ આંકડો 1.08 લાખને પણ પાર કરી જશે.
અમદાવાદમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર
સમગ્ર ગુજરાતમાં હૃદયરોગના કેસોમાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે છે. રાજ્યના કુલ કેસમાંથી ચોથા ભાગના કેસ માત્ર અમદાવાદમાંથી જ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અહીં 18,789 જેટલા ઇમરજન્સી કોલ્સ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ 76 લોકોને 108ની મદદ લેવી પડે છે.
તાજેતરના ડેટા મુજબ અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, અમરેલીમાં હૃદયરોગના કેસમાં સૌથી વધુ 20.04% નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ભાવનગર અને જામનગરમાં 16% થી વધુનો વધારો થયો છે. સંખ્યાની દૃષ્ટિએ સુરત (5,550 કેસ), રાજકોટ (4,298 કેસ) અને વડોદરા (3,592 કેસ) જેવા મોટા શહેરોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
(*નોંધ: 2026 માટે આપેલા આંકડા માત્ર ઓગસ્ટ મહિના સુધીના જ છે.)
યુવાનોમાં વધતો ખતરો
સૌથી વધુ ચિંતાની વાત એ છે કે હવે હૃદયની બીમારીઓ માત્ર મોટી ઉંમરના લોકો પૂરતી સીમિત રહી નથી. તબીબોના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા સમયથી 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં પણ હૃદયની સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી છે. ખરાબ જીવનશૈલી, તણાવ અને જંક ફૂડનું સેવન આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને અનિયમિત ઊંઘ પણ યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યા છે. સમયસર ચેતી જઈને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું હવે દરેક માટે અનિવાર્ય બની ગયું છે.