સાતમ-આઠમ વેકેશન: સૌરાષ્ટ્ર જતી ST અને ખાનગી બસો હાઉસફૂલ, ટિકિટના ભાડાં ડબલ થયા, જાણો લેટેસ્ટ રેટ | Moneycontrol Gujarati
Get App

સાતમ-આઠમ વેકેશન: સૌરાષ્ટ્ર જતી ST અને ખાનગી બસો હાઉસફૂલ, ટિકિટના ભાડાં ડબલ થયા, જાણો લેટેસ્ટ રેટ

Satam Atham vacation: જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ST અને ખાનગી બસો હાઉસફૂલ થઈ ગઈ છે. ખાનગી બસોના ભાડામાં 2 ગણો વધારો નોંધાયો છે. જાણો રાજકોટ, ભાવનગર સહિતના રૂટના નવા ભાડા.

અપડેટેડ 11:54:26 AM Sep 03, 2026 પર
Story continues below Advertisement
હાલમાં સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે અને લાંબુ વેટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળતા લોકો બસ તરફ વળ્યા છે.

Janmashtami 2026: અમદાવાદમાં નોકરી, વ્યવસાય અને રોજગારી માટે રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે જન્માષ્ટમી એટલે કે સાતમ-આઠમનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. વર્ષભર પરિવારથી દૂર રહેતા લોકો આ મિની વેકેશનમાં પોતાના વતન જઈને માતા-પિતા અને સગાં-સંબંધીઓ સાથે તહેવાર ઉજવવા માટે થનગની રહ્યા છે. જોકે, આ વર્ષે વતનની વાટ પકડવી મુસાફરોના ખિસ્સા પર ભારે પડી રહી છે.

ટ્રેનોમાં વેઇટિંગ, બસો અત્યારથી જ ફૂલ

હાલમાં સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે અને લાંબુ વેટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળતા લોકો બસ તરફ વળ્યા છે. મુસાફરોના આ ભારે ધસારાને કારણે અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા રૂટ પરની આશરે 80 ટકા ST બસો અને 70 ટકા ખાનગી બસોની સીટો અત્યારથી જ બુક થઈ ગઈ છે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જેવા મુખ્ય રૂટ પરની બસો સંપૂર્ણપણે હાઉસફૂલ થઈ ગઈ છે.

મુસાફરો બમણું ભાડું ચૂકવવા મજબૂર

તહેવારની આ ભીડનો લાભ લઈને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડામાં અધધ વધારો ઝીંકી દીધો છે. સામાન્ય દિવસોમાં જે ખાનગી બસની ટિકિટ 500થી 700 રૂપિયામાં મળતી હતી, તેના ભાવ વધીને હવે સીધા 800થી 1200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આમ છતાં, વતન પહોંચવાની ઉતાવળમાં લોકો હોંશે હોંશે આ બમણું ભાડું પણ ચૂકવી રહ્યા છે. જેમણે એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું તેમને હવે છેલ્લી ઘડીએ પોતાની મનપસંદ સીટ કે ટિકિટ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


વિવિધ રૂટ પર બસોના હાલના ભાડાની સ્થિતિ:

અહીં સામાન્ય દિવસો અને તહેવારના દિવસોમાં ખાનગી તથા ST બસના ભાડાની સરખામણી આપી છે:-

રૂટનું નામ હાલનું ખાનગી ભાડું (રૂ.) સામાન્ય ખાનગી ભાડું (રૂ.) ST બસનું ભાડું (રૂ.)
અમરેલી 800-1100 500-600 214-452
રાજકોટ 500-1000 500-600 181-547
જામનગર 600-1300 600-850 236-799
દ્વારકા 700-1300 600-850 312-1182
પોરબંદર 850-1100 750-900 287-427
વેરાવળ 800-1300 600-800 302-1242
ભાવનગર 700-1100 500-600 160-430
બોટાદ 500-1000 500-600 159-297

ST નિગમની 9500 વિશેષ ટ્રિપો છતાં ટિકિટ મળવી મુશ્કેલ

તહેવારોની આ ભીડને પહોંચી વળવા માટે ગુજરાત ST નિગમ દ્વારા અગાઉથી જ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન અને સાતમ-આઠમ માટે નિગમ દ્વારા વધારાની 9500 જેટલી વિશેષ બસ ટ્રિપો દોડાવવામાં આવી રહી છે. છતાં પણ મુસાફરોની સંખ્યા એટલી વિશાળ છે કે આ એક્સ્ટ્રા બસો પણ હાઉસફૂલ થઈ રહી છે. પરિણામે સામાન્ય નાગરિકો માટે બસની ટિકિટ મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન મુશ્કેલ બની ગયું છે. જે લોકો હજુ પણ વતન જવા માંગે છે, તેમણે છેલ્લી ઘડીની હેરાનગતિથી બચવા તાત્કાલિક ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાનું બુકિંગ કન્ફર્મ કરાવી લેવું હિતાવહ છે.

આ પણ વાંચો- પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાતથી ભડક્યું અમેરિકા! ટ્રમ્પના મંત્રી માર્કો રુબિયોએ ભારતને આપી ખુલ્લી ધમકી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2026 11:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.