ગત 7 મેના રોજ બોમ્બે હાઈકોર્ટે તમામ આરોપીઓના છુટકારા સામે કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી હતી.
Sohrabuddin Sheikh encounter case: વર્ષ 2005ના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત કુલ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મૃતક સોહરાબુદ્દીનના નાના ભાઈ નયબુદ્દીન શેખે આ મામલે દેશની સર્વોચ્ચ અદાલતનો આશરો લીધો છે.
બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું હતું?
ગત 7 મેના રોજ બોમ્બે હાઈકોર્ટે તમામ આરોપીઓના છુટકારા સામે કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે, આ કેસ માત્ર સાંયોગિક પુરાવા પર આધારિત છે અને પુરાવાઓની કડીમાં ઘણી બધી ખામીઓ છે. સરકારી પક્ષ આરોપીઓ સામેનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આથી, ડિસેમ્બર 2018માં મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે જે આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા, તે નિર્ણયમાં દખલ કરવાનું કોઈ કારણ જણાતું નથી. આ પહેલા રુબાબુદ્દીન અને નયબુદ્દીન દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
શું હતો આ સમગ્ર મામલો?
આ કેસ સોહરાબુદ્દીન શેખ, તેમની પત્ની કૌસર બી અને તેમના સાથી તુલસીરામ પ્રજાપતિની કથિત હત્યા સાથે જોડાયેલો છે. ઘટનાક્રમ કંઈક આ મુજબ હતો:
22-23 નવેમ્બર, 2005: હૈદરાબાદથી મહારાષ્ટ્ર જઈ રહેલી બસમાંથી પોલીસની ટીમે સોહરાબુદ્દીન અને અન્ય લોકોને કસ્ટડીમાં લીધા હતા.
26 નવેમ્બર, 2005: અમદાવાદ પાસે એક કથિત એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનને ઠાર કરવામાં આવ્યો.
તેના ત્રણ દિવસ બાદ તેની પત્ની કૌસર બીની પણ કથિત રીતે હત્યા કરી દેવામાં આવી.
27 ડિસેમ્બર, 2006: આ એન્કાઉન્ટરના મુખ્ય સાક્ષી મનાતા તુલસીરામ પ્રજાપતિને પણ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર એક અલગ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો.
આરોપીઓ કોણ હતા?
આ કેસમાં નિર્દોષ છૂટેલા 22 આરોપીઓમાંથી 21 ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પોલીસના જુનિયર અધિકારીઓ હતા. એવો આરોપ હતો કે આ ટીમોએ ત્રણેયનું અપહરણ કર્યું અને પછી ફેક એન્કાઉન્ટરમાં તેમને મારી નાખ્યા. જ્યારે બાકીનો 1 આરોપી ગુજરાતના એક ફાર્મહાઉસનો માલિક હતો, જ્યાં હત્યા પહેલા સોહરાબુદ્દીન અને તેની પત્નીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.
કેસની કાનૂની સફર અને સાક્ષીઓનું ફરી જવું
શરૂઆતમાં આ કેસની તપાસ ગુજરાત CID પાસે હતી. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે આ તપાસ CBIને સોંપી દીધી હતી અને નિષ્પક્ષ તપાસ માટે કેસની સુનાવણી પણ ગુજરાતથી મુંબઈ શિફ્ટ કરી હતી. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે પ્રજાપતિના એન્કાઉન્ટર કેસને સોહરાબુદ્દીનના કેસ સાથે જોડી દીધો હતો.
આ કેસમાં પ્રોસિક્યુશનની સૌથી મોટી નબળાઈ એ રહી કે કોર્ટમાં રજૂ કરાયેલા કુલ 210 સાક્ષીઓમાંથી 92 સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હતા અને સરકારી પક્ષની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું. આ જ કારણોસર 2018માં CBI કોર્ટે ષડયંત્ર સાબિત ન થતાં તમામ આરોપીઓને મુક્ત કર્યા હતા, જેને 2019માં બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાંથી પણ નિરાશા મળ્યા બાદ, હવે મૃતકનો પરિવાર અંતિમ ન્યાયની આશા સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.