Puri Jagannath Rath Yatra: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગુરુવારે રથયાત્રામાં ઉમટેલી ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ ઘટનામાં આશરે 200 જેટલા શ્રદ્ધાળુઓની તબિયત લથડી છે, જ્યારે એક ભક્તનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
* રથયાત્રામાં ભીડ બેકાબૂ બનતા 200 થી વધુ ભક્તોને શ્વાસ લેવામાં તકલીફ પડી.
* તમામ ઈજાગ્રસ્તોને પુરી મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
* ભીડ અને ઉકળાટના કારણે ગૂંગળામણ થવાથી 1 શ્રદ્ધાળુનું કરુણ મોત.
* ભોગ બનનારાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો સામેલ.
કેવી રીતે સર્જાઈ નાસભાગની સ્થિતિ?
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ‘પહિંદ' વિધિ દરમિયાન સુરક્ષાના બાહ્ય ઘેરાથી લગભગ 500 મીટર દૂર બની હતી. 'બડા ડંડા' (ગ્રાન્ડ રોડ) પર રથ ખેંચવાની રાહ જોઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓની ભીડ અચાનક વધી ગઈ હતી. ભીડના ભારે દબાણ અને ઉકળાટના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જોતજોતામાં અફરાતફરી મચી ગઈ અને 200 જેટલા લોકો બેહોશ કે અસ્વસ્થ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન અને આરોગ્ય વિભાગની ટીમો એક્શનમાં આવી ગઈ હતી. એમ્બ્યુલન્સની મદદથી તમામ પ્રભાવિત શ્રદ્ધાળુઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પ્રશાસન હવે એ તપાસ કરી રહ્યું છે કે સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આટલી મોટી ભીડ બેકાબૂ કેવી રીતે બની.
ભારે વરસાદ વચ્ચે 'પહિંદ' અનુષ્ઠાન સંપન્ન
પુરીમાં સતત પડી રહેલા ભારે વરસાદ છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો ન હતો. 12મી સદીના પ્રાચીન મંદિરથી 'પહિંદ' વિધિ દ્વારા મહાપ્રભુ જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને તેમના રથ સુધી લાવવામાં આવ્યા હતા.
શંખ, ઝાલર અને ઘંટના નાદ વચ્ચે સૌથી પહેલા શ્રી સુદર્શન (ભગવાન વિષ્ણુનું અસ્ત્ર) ને બહાર લાવીને દેવી સુભદ્રાના 'દર્પદલન' રથ પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાઈ બલભદ્રને તેમના 'તાલધ્વજ' રથ પર અને દેવી સુભદ્રાને 'શૂન્ય પહિંદ' શૈલીમાં રથ સુધી લાવવામાં આવ્યા હતા. છેલ્લે જ્યારે ભગવાન જગન્નાથ મંદિરની બહાર આવ્યા, ત્યારે લાખો ભક્તોએ હાથ ઊંચા કરીને 'જય જગન્નાથ' ના ગગનભેદી નારા લગાવ્યા હતા. અહીંથી આ ત્રણેય રથ 2.6 કિલોમીટર દૂર આવેલા શ્રી ગુંડિચા મંદિરે જશે, જે ભગવાનનું જન્મસ્થળ માનવામાં આવે છે.
મુખ્યમંત્રીએ આપ્યા કડક નિર્દેશ
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, પુરીમાં છેલ્લા 48 કલાકમાં 233 મીમી જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. દરિયાકાંઠાના આ શહેરમાં હજુ પણ વરસાદની સંભાવના છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતાં, મુખ્યમંત્રીએ પુરી જિલ્લા પ્રશાસન અને નગરપાલિકાને હાઈ એલર્ટ પર રાખીને ત્વરિત પાણી નિકાલની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.