Cloudburst causes chaos in Kishtwar: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા ચુશોટી ગામમાં વાદળફાટવાથી ભયંકર તબાહી સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ લાપતા છે. અધિકારીઓનું માનવું છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાની શંકા છે. આ આફત મચૈલ માતા યાત્રા માર્ગ પર થઈ, જેના કારણે અનેક તીર્થયાત્રીઓ પણ પ્રભાવિત થયા.
બચાવ કાર્યમાં દિવસ-રાત જોડાયેલી ટીમો
જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના, NDRF, SDRF, BRO અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમો બચાવ અને શોધખોળમાં લાગી છે. અહેવાલો અનુસાર, 100થી વધુ લોકો ઘાયલ થયા છે, અને ડઝનબંધ લોકો લાપતા છે. બચાવ કાર્યમાં મુશ્કેલીઓ હોવા છતાં, ટીમો મલબો હટાવીને લાપતા લોકોને શોધવા પ્રયાસ કરી રહી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઇએસએફ)ના ડીઆઇજી એમ.કે. યાદવે ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ કાર્યોની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે તેમના જવાનોએ લોકોને ચેતવણી આપીને ઘણા જીવ બચાવ્યા, પરંતુ આ દરમિયાન ત્રણ જવાન શહીદ થયા અને એક હજુ લાપતા છે.
વાદળફાટથી આવેલા અચાનક પૂરે કિશ્તવાડમાં ભારે નુકસાન કર્યું. અહેવાલો અનુસાર 16 ઘરો અનેક સરકારી ઇમારતો, 3 મંદિરો, 4 પાણીની ચક્કીઓ, 30 મીટર લાંબો પુલ અને ડઝનથી વધુ વાહનો ધોવાઇ ગયા અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પાણીના ઝડપી પ્રવાહમાં લોકો તણાયા અને ઘણા લોકો પથ્થરો, લાકડાં અને મલબાની નીચે દટાયેલા હોવાની આશંકા છે.
હિમાલયમાં વધતી પ્રાકૃતિક આફતો
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ હિમાલયના પર્વતીય વિસ્તારોમાં વધતી પ્રાકૃતિક આફતો પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે હિમાલય વાદળફાટ અને ગ્લેશિયર તળાવ ફાટવા જેવી આફતો પ્રત્યે કેટલો સંવેદનશીલ બન્યો છે. આવા જોખમો ઘટાડવા માટે નિષ્ણાતોની સલાહ લેવાની જરૂર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.