ભારતની આ ડીલથી ચીનનું ટેન્શન વધશે! અમેરિકા-યુરોપ કરતાં પણ મહત્વનો કરાર, મળશે ‘સફેદ સોના'નો ખજાનો
India Chile FTA: ભારત અને ચિલી વચ્ચે ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થવા જઈ રહ્યો છે. આ ડીલથી ભારતને સસ્તા ભાવે લિથિયમનો ખજાનો મળશે અને ચીન પરની નિર્ભરતા ઘટશે. જાણો આ ડીલ ભારત માટે કેમ ગેમ ચેન્જર સાબિત થશે.
India Chile FTA: ભારત અને ચિલી વચ્ચે ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થવા જઈ રહ્યો છે.
India Chile FTA: ભારત અત્યારે વિશ્વમાં પોતાની આર્થિક તાકાત વધારવા માટે અલગ-અલગ દેશો સાથે વ્યાપારી સંબંધો મજબૂત કરી રહ્યું છે. આ દરમિયાન દક્ષિણ અમેરિકાના એક નાનકડા પણ સમૃદ્ધ દેશ ચિલી (Chile) સાથે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં ચિલી સાથે એક મહત્ત્વનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સાઈન કરવા જઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ ડીલ ભારત માટે 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ભારતને લિથિયમ જેવો કિંમતી ખજાનો સસ્તા ભાવે મળી રહેશે.
ચીનને પછાડવા માટે માસ્ટરસ્ટ્રોક
આજની દુનિયામાં તે જ દેશ સુપરપાવર ગણાય છે, જેની પાસે રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) નો જથ્થો હોય. અત્યાર સુધી આ બાબતમાં ચીનનો દબદબો રહ્યો છે. પરંતુ, ચિલી પાસે દુનિયાનો સૌથી મોટો લિથિયમનો ભંડાર છે. લિથિયમને અત્યારના જમાનાનું ‘સફેદ સોનું' કહેવામાં આવે છે.
તમારા મોબાઈલ ફોન, લેપટોપ અને ખાસ કરીને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ની બેટરી બનાવવા માટે લિથિયમ અનિવાર્ય છે. ભારત અને ચિલી વચ્ચેના આ કરાર પછી ભારતને લિથિયમ ઉપરાંત તાંબુ, કોબાલ્ટ અને મોલિબ્ડેનમ જેવા ખનિજો ખૂબ જ ઓછી કિંમતે મળશે. આનાથી ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર દોડતું થશે અને કાચા માલ માટે આપણે ચીન સામે હાથ ફેલાવવો નહીં પડે.
સરકાર શું કહે છે?
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ, ભારત અને ચિલી વચ્ચેની વાતચીત હવે ફાઈનલ સ્ટેજ પર છે. ખુશીની વાત એ છે કે, આ કરાર માત્ર સામાનની લેવડ-દેવડ પૂરતો સીમિત નથી રહેવાનો. આ ડીલમાં ડિજિટલ સેવાઓ, રોકાણ અને નાના તથા મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને પણ સાંકળી લેવામાં આવશે.
ભારત જ્યારે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું સપનું જોઈ રહ્યું છે, ત્યારે ચિલી સાથેની આ મિત્રતા ભવિષ્યની ટેકનોલોજી અને આર્થિક જરૂરિયાતોને પૂરી કરવામાં પાયાની ઈંટ સાબિત થશે.
વેપારના આંકડા શું કહે છે?
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો અત્યારે બંને દેશો વચ્ચેનો વેપાર ભલે મર્યાદિત હોય, પણ તેમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો છે.
આયાત: નાણાકીય વર્ષ 2024-25 માં ચિલીથી ભારતની આયાત 72 ટકા વધીને 2.60 અબજ ડોલર થઈ ગઈ છે.
નિકાસ: સામે પક્ષે, ભારતની નિકાસ 1.15 અબજ ડોલર રહી છે.
જ્યારે FTA એટલે કે મુક્ત વેપાર કરાર લાગુ થઈ જશે, ત્યારે બંને દેશો વચ્ચે ટેક્સ ઘટશે અને વેપારમાં મોટો ઉછાળો આવશે. આનાથી ભારતીય કંપનીઓને નવો મોટો બજાર મળશે અને દેશની ઈકોનોમીને નવી ઊંચાઈ મળશે. ટૂંકમાં કહીએ તો, આ ડીલથી ભારતને સસ્તું કાચું મટીરીયલ મળશે અને ચીન મોઢું જોતું રહી જશે.