મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ખતરો: હોર્મુઝમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરોને સુરક્ષા આપશે અમેરિકન નેવી, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત | Moneycontrol Gujarati
Get App

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ખતરો: હોર્મુઝમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરોને સુરક્ષા આપશે અમેરિકન નેવી, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

Donald Trump US Navy on Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલની સપ્લાયની ચિંતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જરૂર પડ્યે અમેરિકન નેવી ઓઈલ ટેન્કરોને સુરક્ષા પૂરી પાડશે.

અપડેટેડ 09:31:51 AM Mar 04, 2026 પર
Story continues below Advertisement
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ' પર માહિતી આપતા લખ્યું છે કે, તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) ને ખાસ આદેશ આપ્યો છે.

Donald Trump US Navy on Strait of Hormuz: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સતત વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાઈ જવાના ડર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ખાડી દેશોમાં દરિયાઈ વેપારને સુરક્ષિત કરવા માટે અમેરિકા તરત જ મોટા પગલાં લેશે. આમાં શિપિંગ કંપનીઓને પોલિટિકલ રિસ્ક ઇન્શ્યોરન્સ આપવાથી લઈને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરોને અમેરિકન નેવીની સુરક્ષા આપવાનો પણ સમાવેશ થાય છે.

શિપિંગ કંપનીઓને મળશે સ્પેશિયલ ઇન્શ્યોરન્સ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ' પર માહિતી આપતા લખ્યું છે કે, તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) ને ખાસ આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ ખાડી વિસ્તારમાંથી પસાર થતા જહાજો અને ખાસ કરીને ઉર્જા (ઓઈલ-ગેસ) સપ્લાય કરતા જહાજોને પોલિટિકલ રિસ્ક ઇન્શ્યોરન્સ અને ગેરંટી પૂરી પાડવામાં આવશે. આ સુવિધા તમામ શિપિંગ કંપનીઓ માટે વ્યાજબી ભાવે ઉપલબ્ધ રહેશે.

અમેરિકન નેવી આપશે એસ્કોર્ટ સુરક્ષા

ટ્રમ્પે દુનિયાને અમેરિકાની આર્થિક અને લશ્કરી તાકાતનો અહેસાસ કરાવતા કહ્યું કે, "જો જરૂર પડશે તો અમેરિકન નેવી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તમામ ઓઈલ ટેન્કરોને વહેલી તકે એસ્કોર્ટ કરવાનું (સાથે રહીને સુરક્ષા આપવાનું) શરૂ કરી દેશે. કોઈપણ સંજોગોમાં અમેરિકા આખી દુનિયામાં ઉર્જાનો સપ્લાય અટકવા દેશે નહીં. આવનારા સમયમાં હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે."


શા માટે મહત્વનો છે હોર્મુઝનો રૂટ?

હોર્મુઝની સામુદ્રધુની એ પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો એક ખૂબ જ સાંકળો અને મહત્વનો દરિયાઈ માર્ગ છે. દુનિયાભરનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ અને LNG આ જ રસ્તેથી પસાર થાય છે. હાલમાં આ માર્ગ સળંગ 4 દિવસથી બંધ જેવો જ છે. યાહૂ ફાઇનાન્સના ડેટા મુજબ, આ યુદ્ધની સ્થિતિને કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ લગભગ 82.29 ડોલરની આસપાસ પહોંચી ગયો છે, જે બજારની અસ્થિરતા દર્શાવે છે.

આ તણાવ પાછળનું મુખ્ય કારણ શું છે?

આ આખી સ્થિતિ ત્યારે બગડી જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાનના ઘણા શહેરો પર જોરદાર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં ઈરાનના સૈન્ય મથકો, એર ડિફેન્સ સિસ્ટમ અને મિસાઈલના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામનેઈ અને 4 મોટા સૈન્ય અધિકારીઓના મોત થયા હતા.

ઈરાનનો વળતો પ્રહાર

પોતાના સુપ્રીમ લીડરના મોતથી ગુસ્સે ભરાયેલા ઈરાને અમેરિકાના લશ્કરી મથકો અને તેના મિત્ર દેશો પર બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી મોટા હુમલા કર્યા. ઈરાનના નિશાના પર ઈઝરાયેલ, બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને જોર્ડન જેવા દેશો હતા.

ઈરાનના આ વળતા પ્રહારથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું છે અને સામાન્ય નાગરિકો માટે જોખમ વધી ગયું છે. ટ્રમ્પની આ જાહેરાત એ વાતનો સીધો સંકેત છે કે અમેરિકા ગ્લોબલ એનર્જી માર્કેટને બચાવવા માટે અને તેલના ભાવોને કંટ્રોલમાં રાખવા માટે પોતાની પૂરી સૈન્ય તાકાત વાપરવા તૈયાર છે.

આ પણ વાંચો - Stocks to watch today: આજના દિવસે શેરબજારમાં મચશે આ સ્ટોક મચાવશે હાહાકાર! રિલાયન્સ, LIC અને SBI સહિત આ શેરો પર રાખજો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2026 9:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.