Tirupati Laddu: 5 વર્ષ સુધી તિરુપતિના લાડુમાં ભેળસેળવાળું ઘી વપરાયું, SITના રિપોર્ટમાં 250 કરોડના કૌભાંડનો પર્દાફાશ! | Moneycontrol Gujarati
Get App

Tirupati Laddu: 5 વર્ષ સુધી તિરુપતિના લાડુમાં ભેળસેળવાળું ઘી વપરાયું, SITના રિપોર્ટમાં 250 કરોડના કૌભાંડનો પર્દાફાશ!

Tirupati Laddu: તિરુપતિના લાડુ પ્રસાદમાં છેલ્લા 5 વર્ષથી ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો SITના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. 250 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 60 લાખ કિલો નકલી ઘી ખરીદાયું હતું. ભોલે બાબા ડેરી અને 50 લાખની લાંચની વિગતો જાણો.

અપડેટેડ 12:01:59 PM Nov 11, 2025 પર
Story continues below Advertisement
5 વર્ષ સુધી તિરુપતિના લાડુમાં ભેળસેળવાળું ઘી વપરાયું

Tirupati Laddu: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના જગપ્રસિદ્ધ લાડુ પ્રસાદને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના રિપોર્ટમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા 5 વર્ષ સુધી તિરુપતિના લાડુ બનાવવા માટે ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થતો રહ્યો હતો.

આ કૌભાંડ એટલું મોટું છે કે માત્ર ઘીની ખરીદી પાછળ જ લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર પ્રસાદમાં 5 વર્ષ સુધી 'ચરબીવાળું ઘી' વપરાતું હોવાની વાત સામે આવતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.

60 લાખ કિલો લાડુ, 68 લાખ કિલો નકલી ઘી

SITની તપાસમાં જાણવા મળ્યું કે 5 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 60 લાખ કિલોગ્રામ લાડુ TTDને મોકલવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત 250 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ માટે ઉત્તરાખંડની એક ચોક્કસ ડેરી પાસેથી લગભગ 68 લાખ કિલો નકલી ઘી ખરીદવામાં આવ્યું હતું. આ ડેરીનું નામ ભોલે બાબા ઓર્ગેનિક ડેરી હતું. આ ડેરીએ 2019થી 2024 સુધી TTDને સતત ઘી સપ્લાય કર્યું હતું.

ડેરીએ દૂધ-માખણ ખરીદ્યું જ નહોતું


સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ ક્યારેય બજારમાંથી દૂધ કે માખણની ખરીદી કરી નહોતી. રિપોર્ટમાં જણાવાયું છે કે ડેરીના સંચાલકો પામ ઓઈલ અને રાસાયણિક પદાર્થો જેવા કે મોનોડાઈગ્લિસરાઈડ્સ અને એસિટિક એસિડ એસ્ટરનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઘી તૈયાર કરતા હતા.

આ નકલી ઘીની ફેક્ટરી ઉત્તરાખંડના ભગવાનપુરમાં પોમિલ જૈન અને વિપિન જૈન નામના બે વ્યક્તિઓએ શરૂ કરી હતી. તેમણે દૂધની ખરીદીના બનાવટી રેકોર્ડ્સ પણ તૈયાર કર્યા હતા. જોકે, 2022માં આ ડેરીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી, તેમ છતાં અન્ય ડેરીઓના માધ્યમથી તેનું નકલી ઘી TTDને સપ્લાય થતું રહ્યું.

50 લાખ રૂપિયાની લાંચનો ઘટસ્ફોટ

આ કૌભાંડમાં 50 લાખ રૂપિયાની લાંચ આપવાનો મામલો પણ સામે આવ્યો છે. રિપોર્ટમાં આક્ષેપ છે કે મંદિર ટ્રસ્ટના તે સમયના ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીના અંગત સહાયક (PA) ચિન્નાપ્પન્નાને લાંચ આપવામાં આવી હતી. લાંચની આ રકમ 50 લાખ રોકડમાં ઉત્તર પ્રદેશની 'એગ્રી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની દ્વારા આપવામાં આવી હોવાનું કહેવાય છે. જે સમયે આ ઘટના બની તે સમયે સુબ્બા રેડ્ડી લોકસભાના સાંસદ હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે.

ગયા વર્ષે આ સમગ્ર મામલે ખૂબ જ વિવાદ થયો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય પોલીસ, સીબીઆઈ અને ફૂડ સેફ્ટી અધિકારીઓને સામેલ કરીને SITની રચના કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે ઘી સપ્લાય કરવામાં કુલ 4 કંપનીઓ સંડોવાયેલી હતી. ટેન્ડર મેળવવા માટે કિંમતમાં ફેરફાર કરવા અને અન્ય છેતરપિંડી માટે ઘણા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણથી ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શિતા જાળવવાનો સવાલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો- ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીઓના ટારગેટ પર હતું દિલ્હીનું આઝાદ મેદાન, પૂછપરછમાં મોટો ખુલાસો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2025 12:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.