શહેરમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના પશ્ચિમ અને ન્યૂ પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી.
Heavy rain in Ahmedabad: અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને સવારના સમયે જ વરસાદ પડતાં સ્કૂલે જતા બાળકો અને ઓફિસે જતા નોકરિયાતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઠેર ઠેર પાણી ભરાયા, વાહનવ્યવહાર ખોરવાયો
શહેરમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના પશ્ચિમ અને ન્યૂ પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. સરખેજ, મકરબા, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાં વરસાદે બ્રેક મારી ન હતી. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે અનેક લોકોની કંપનીની બસો રસ્તામાં જ બગડી ગઈ હતી, જેના લીધે લોકો ઓફિસ કે સ્કૂલ પહોંચે તે પહેલાં જ વરસાદમાં ખરાબ રીતે પલળી ગયા હતા.
5 અંડરપાસ કરાયા બંધ, વાસણા બેરેજની શું છે સ્થિતિ?
સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ શહેરમાં સરેરાશ 0.35 ઇંચ વરસાદ પડ્યો હતો. પાણી ભરાવાની ગંભીર સ્થિતિને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 જેટલા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
વાસણા બેરેજ: ભારે વરસાદની શરૂઆત થતાં નદીના જળસ્તરને નિયંત્રિત કરવા વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવાની ફરજ પડી હતી. જોકે, હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં આવતા તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે અને પાણીની સપાટી 136.25 ફૂટ પર જાળવી રાખવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ
આજે સવારના બે કલાકમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ સૌથી વધુ સરેરાશ 32.14 mm વરસાદ વરસાવ્યો છે. જ્યારે પશ્ચિમ ઝોનના નવરંગપુરા, રાણીપ અને ચાંદખેડામાં સરેરાશ 8.71 mm સાથે હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા હતા.
સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદવાળા ટોપ 10 વિસ્તારો:
ઓગણજ: 1.79 ઇંચ
ગોતા: 1.65 ઇંચ
ચાંદલોડિયા: 1.34 ઇંચ
સાયન્સ સિટી: 1.28 ઇંચ
બોપલ: 1.14 ઇંચ
થલતેજ: 1.10 ઇંચ
સરખેજ અર્બન હેલ્થ: 0.98 ઇંચ
બોડકદેવ: 0.91 ઇંચ
સરખેજ: 0.81 ઇંચ
મેમનગર: 0.79 ઇંચ
છેલ્લા 24 કલાકમાં વરસાદનો આંકડો
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ 22.91 mm વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચાલુ સિઝનનો અમદાવાદ શહેરનો કુલ વરસાદ 32.24 ઇંચ પર પહોંચી ગયો છે, જે છેલ્લા 5 વર્ષના સરેરાશ વરસાદના 89.56% જેટલો થાય છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદવાળા 10 વિસ્તારો:
વિરાટનગર: 2.44 ઇંચ
બાકરોલ: 2.09 ઇંચ
નિકોલ: 1.87 ઇંચ
મણિનગર: 1.87 ઇંચ
રામોલ: 1.71 ઇંચ
ઓઢવ: 1.46 ઇંચ
કઠવાડા: 1.30 ઇંચ
વાસણા: 1.30 ઇંચ
હંસપુરા: 1.28 ઇંચ
ટેગોર કંટ્રોલ: 1.24 ઇંચ
અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી અને વર્તમાન સ્થિતિને જોતા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારો તથા અંડરપાસ તરફ જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.