UPI Payment: પસંદગીના ટ્રાન્ઝેક્શન પર છૂટ આપવાની માંગની સરકાર કરી રહી છે સમીક્ષા
સરકાર પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જમાંથી છૂટ આપવાની માંગની સમીક્ષા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ માટે MDR દૂર કરવાની માંગ કરી છે. આ માંગ ઓઇલ મંત્રાલય મારફતે નાણાં મંત્રાલય સુધી પહોંચાડવામાં આવી છે. જોકે, હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. નવા ફ્રેમવર્ક મુજબ 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના UPI ફ્યુઅલ પેમેન્ટ પર ₹5નો ફ્લેટ MDR લાગશે, જ્યારે ₹2,000થી ઓછા પેમેન્ટ પર MDR નહીં લાગે.
પેટ્રોલ પંપ પર UPI MDRમાંથી મળી શકે છે રાહત? સરકાર કરી રહી છે માંગની સમીક્ષા, જાણો નવા UPI MDR ફ્રેમવર્કની સંપૂર્ણ વિગતો.
UPI Payment: MDR ચાર્જિસને લઈને અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાઝની મેગા એક્સક્લૂઝિવ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જમાંથી છૂટ આપવાની માંગની સમીક્ષા કરી રહી છે. ખાસ કરીને પેટ્રોલ પંપ પર થતા UPI પેમેન્ટને MDR ચાર્જમાંથી રાહત આપવાની માંગ પર વિચારણા ચાલી રહી છે.
સીએનબીસી આવાઝના ઇકોનોમિક પોલિસી એડિટર લક્ષ્મણ રોયે આપેલી માહિતી અનુસાર, પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ હટાવવાની માંગ કરી છે. આ માંગ ઓઇલ મંત્રાલય મારફતે નાણાં મંત્રાલય અને નાણામંત્રી સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક પસંદગીના UPI ટ્રાન્ઝેક્શનને પણ MDRમાંથી છૂટ આપવાની માંગની સમીક્ષા કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટ દ્વારા સમીક્ષા ચાલી રહી છે. જોકે, પેટ્રોલ પંપને MDR ચાર્જમાંથી છૂટ આપવાનો હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મુદ્દે નાણાં મંત્રાલય અને ઓઇલ મંત્રાલય તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
UPI MDRને લઈને વેપારીઓમાં ચિંતા
સરકારે UPI પર MDR ચાર્જિસનું નવું ફ્રેમવર્ક જાહેર કર્યા બાદ વેપારીઓમાં આ મુદ્દે ચર્ચા તેજ થઈ છે. વિવિધ વેપારી સંગઠનોએ UPI પેમેન્ટ પર MDR દૂર કરવાની માંગ સાથે નાણામંત્રીને પત્ર પણ લખ્યો છે.
શું છે નવું UPI MDR ફ્રેમવર્ક?
નવા UPI MDR ફ્રેમવર્ક હેઠળ પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI પેમેન્ટ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5નો ફ્લેટ MDR નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ₹2,000થી ઓછા UPI ફ્યુઅલ પેમેન્ટ પર કોઈ MDR ચાર્જ લાગશે નહીં. આ નવા ફેરફારો 15 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ અગાઉની જેમ જ મફત રહેશે. એટલે કે UPIથી પેમેન્ટ કરનાર ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
નવા ફ્રેમવર્ક હેઠળ ₹2,000 સુધીના P2P અને P2M UPI ટ્રાન્ઝેક્શન MDRના દાયરાની બહાર રહેશે. P2PM ફ્રેમવર્ક હેઠળ આવતા નાના વેપારીઓને પણ ઝીરો MDRનો લાભ મળતો રહેશે. તેમાં એવા નાના વેપારીઓનો સમાવેશ થાય છે, જેમને UPI QR મારફતે દર મહિને ₹1 લાખ સુધીનું પેમેન્ટ મળે છે.
જ્યારે પસંદગીની કેટેગરીમાં ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ₹5 પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ફ્લેટ MDR લાગશે. આ કેટેગરીમાં રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને ફ્યુઅલનો સમાવેશ થાય છે. બીજી તરફ, અન્ય P2M UPI ટ્રાન્ઝેક્શનમાં ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.4% MDR લાગુ થશે, જેની મહત્તમ મર્યાદા ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રાખવામાં આવી છે.