અમેરિકા સામે ચીનની મોટી ચાલ! શાંતિના નામે ઈરાનને આપી રહ્યું છે ‘સિક્રેટ હથિયાર', WSJ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | Moneycontrol Gujarati
Get App

અમેરિકા સામે ચીનની મોટી ચાલ! શાંતિના નામે ઈરાનને આપી રહ્યું છે ‘સિક્રેટ હથિયાર', WSJ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

China Iran secret support: મિડલ ઈસ્ટમાં શાંતિનો દાવો કરતું ચીન અંદરખાને ઈરાનને સિક્રેટ હથિયાર અને ડ્યુઅલ-યુઝ પાર્ટ્સ સપ્લાય કરી રહ્યું છે. જાણો WSJ ના ચોંકાવનારા રિપોર્ટની પૂરી ઇનસાઇડ સ્ટોરી.

અપડેટેડ 01:32:53 PM Sep 24, 2026 પર
Story continues below Advertisement
ચીન ઈરાનના સંરક્ષણ મંત્રાલયને 'ડ્યુઅલ-યુઝ' પાર્ટ્સનો રેકોર્ડ બ્રેક સપ્લાય કરી રહ્યું છે. ડ્યુઅલ-યુઝ પાર્ટ્સ એટલે એવી વસ્તુઓ જેનો ઉપયોગ સામાન્ય નાગરિકોના ઉપકરણોમાં પણ થાય અને ઘાતક હથિયારો બનાવવા માટે પણ થઈ શકે.

China Iran secret support: મિડલ ઈસ્ટમાં અત્યારે ભારે તણાવનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે ચીન આખી દુનિયા સામે પોતાને એક શાંતિદૂત તરીકે રજૂ કરી રહ્યું છે, પરંતુ પડદા પાછળ કંઈક અલગ જ ખેલ ચાલી રહ્યો છે. એક સનસનીખેજ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીન છૂપી રીતે ઈરાનની આર્થિક અને સૈન્ય તાકાત વધારવામાં મદદ કરી રહ્યું છે.

અમેરિકન અખબાર 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ચીન ઈરાન માટે એક ખાસ 'સિક્રેટ હથિયાર' તૈયાર કરી રહ્યું છે. ચીનથી ઈરાનને થઈ રહેલા આ ગુપ્ત સપ્લાયના ખુલાસા બાદ અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં હડકંપ મચી ગયો છે.

ચીન ઈરાનને શું સપ્લાય કરી રહ્યું છે?

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચીન ઈરાનના સંરક્ષણ મંત્રાલયને 'ડ્યુઅલ-યુઝ' પાર્ટ્સનો રેકોર્ડ બ્રેક સપ્લાય કરી રહ્યું છે. ડ્યુઅલ-યુઝ પાર્ટ્સ એટલે એવી વસ્તુઓ જેનો ઉપયોગ સામાન્ય નાગરિકોના ઉપકરણોમાં પણ થાય અને ઘાતક હથિયારો બનાવવા માટે પણ થઈ શકે. WSJ ના રિપોર્ટ મુજબ, ચીનથી ઈરાન મોકલવામાં આવતા સામાનમાં નીચેની વસ્તુઓ મુખ્ય છે:

ઈલેક્ટ્રોનિક્સ અને GPS ઉપકરણો: આની મદદથી ઈરાન પોતાની મિસાઈલોનું નિશાન એકદમ સચોટ બનાવી શકે છે.


ઈલેક્ટ્રિક મોટર અને એરક્રાફ્ટ પાર્ટ્સ: આ પાર્ટ્સનો સીધો ઉપયોગ સૈન્ય ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ બનાવવામાં થઈ રહ્યો છે.

કેમિકલ મટિરિયલ: આ રસાયણોનો ઉપયોગ બેલેસ્ટિક મિસાઈલનું ઈંધણ તૈયાર કરવા માટે થાય છે.

સેટેલાઇટ તસવીરો: અમેરિકન અધિકારીઓને શંકા છે કે તાજેતરમાં 17 જુલાઈના રોજ થયેલા હુમલામાં જેમાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. ઈરાને ચીનની સેટેલાઇટ ઈમેજનો જ ઉપયોગ કર્યો હતો.

'મહાન એર' ફ્લાઇટ્સમાં અચાનક ઉછાળો

આ હથિયારોની હેરફેર કેવી રીતે થઈ રહી છે તેનો ડેટા પણ ચોંકાવનારો છે. ફ્લાઇટ ટ્રેકિંગ સાઈટ 'FlightRadar24' મુજબ, અમેરિકા દ્વારા પ્રતિબંધિત ઈરાની એરલાઇન 'મહાન એર' માર્ચ મહિનામાં ચીનના બેઇજિંગ અને શાંઘાઈથી તેહરાન માટે અઠવાડિયામાં માત્ર 4 ફ્લાઇટ ઉડાડતી હતી.

પરંતુ એપ્રિલના અંત સુધીમાં આ આંકડો અઠવાડિયાની 27 ફ્લાઇટ્સ પર પહોંચી ગયો અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તો આ ફ્લાઇટ્સની સંખ્યા 39 સુધી પહોંચી ગઈ હતી. સૌથી મોટી વાત એ છે કે આ ફ્લાઇટ્સમાં મુસાફરો નહીં, પરંતુ ગુપ્ત રીતે સૈન્ય સામાન અને હથિયારોના પાર્ટ્સ સપ્લાય થઈ રહ્યા હતા.

અમેરિકન પ્રતિબંધોને ચીનનો ખુલ્લો પડકાર

અમેરિકાએ ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, છતાં ચીન ઈરાનની અર્થવ્યવસ્થાને ઓક્સિજન આપી રહ્યું છે. અમેરિકન સાંસદોના જણાવ્યા મુજબ, ચીન ઈરાનનું 80%થી વધુ ક્રૂડ ઓઈલ એકલું જ ખરીદી રહ્યું છે. અમેરિકાની નજરથી બચવા માટે ચીની બેંકો અને ડમી કંપનીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે, જેથી ઈરાન સુધી પૈસા આસાનીથી પહોંચી શકે. તાજેતરમાં બેઇજિંગમાં ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચીન અને ઈરાન 'વ્યૂહાત્મક ભાગીદાર' છે અને ચીન ઈરાનના હિતોની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર છે.

ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત વચ્ચે રાજકીય ભૂકંપ

વોશિંગ્ટનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મોટી મુલાકાત થવા જઈ રહી છે. આ બેઠકમાં વ્યાપાર અને તાઈવાન જેવા મુદ્દાઓ ચર્ચાવાના હતા, પરંતુ હવે ઈરાનનો મુદ્દો સૌથી ઉપર આવી ગયો છે.

ડેમોક્રેટ નેતા એલિસા સ્લોટકિન સહિતના ઘણા સાંસદોએ વ્હાઇટ હાઉસને પત્ર લખીને માંગ કરી છે કે ટ્રમ્પ આ મુદ્દે જિનપિંગ સામે કડક વલણ અપનાવે. સાંસદોનો સીધો આરોપ છે કે ચીની કંપનીઓ અમેરિકન સૈનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે અને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને જીવંત રાખી રહી છે. જોકે, ટ્રમ્પ પ્રશાસન હાલમાં ચીન સાથે સીધી ટક્કર ટાળી રહ્યું છે, કારણ કે ટ્રમ્પનું કહેવું છે કે જિનપિંગે તેમને ઈરાનને હથિયાર ન આપવાનું વચન આપ્યું હતું.

ચીનનો બચાવ: ‘અમને બદનામ કરવાનું કાવતરું'

આ ગંભીર આરોપો પર ચીનના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને આ તમામ આરોપોને ફગાવતા કહ્યું છે કે આ માત્ર 'ચીનની છબી ખરાબ કરવાનું કાવતરું' છે. ચીનનો દાવો છે કે તેઓ નિકાસના નિયમોનું કડક પાલન કરે છે અને અમેરિકા દ્વારા લગાવવામાં આવતા પ્રતિબંધો જ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે દુનિયામાં શાંતિની વાતો વચ્ચે પણ પડદા પાછળ હથિયારો અને સત્તાની એક મોટી અને ખતરનાક રમત રમાઈ રહી છે.

આ પણ વાંચો- તહેવારો પહેલા ગૃહિણીઓને મોટી ભેટ: ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં જંગી ઘટાડો, જાણો કયું તેલ કેટલું સસ્તું થશે

MoneyControl News

MoneyControl News

First Published: Sep 24, 2026 1:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.