US-India Tensions: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ભારત અને રશિયા ચીનના હાથમાં ગયા છે. ટ્રમ્પે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "લાગે છે કે આપણે ભારત અને રશિયાને ખતરનાક ચીનના હાથમાં ગુમાવી દીધા છે. ઈશ્વર કરે તેમનું ભવિષ્ય સમૃદ્ધ હોય!" આ પોસ્ટ સાથે તેમણે ચીનના તિયાનજિનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલા શંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટની તસવીર શેર કરી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળે છે.
આ તસવીરે વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફને લઈને તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ તાજેતરમાં ભારતના સામાન પર 50% ટેરિફ લગાવ્યો છે, જેમાં 25% ટેરિફ ભારતની રશિયન તેલની ખરીદીને લઈને છે. અમેરિકાનું માનવું છે કે ભારતની આ ખરીદી રશિયા-યુક્રેન યુદ્ધને ઉત્તેજન આપે છે.
SCO સમિટમાં મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી, જે 2018 પછી તેમની પ્રથમ બેઠક હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સંબંધોને નવેસરથી મજબૂત કરવાની વાત કરી. ઉપરાંત, મોદીએ પુતિન સાથે પણ બેઠક યોજી અને યુક્રેન યુદ્ધના ઝડપી ઉકેલની આશા વ્યક્ત કરી.