GSTમાં મોટો ફેરફાર: ઈન્શ્યોરન્સ પ્રીમિયમ સસ્તું, પણ ગ્રાહકોની જેબ પર રાહત ઓછી, જાણો આખું ગણિત
Big change in GST: GST કાઉન્સિલે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર GST શૂન્ય કર્યો, પરંતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટની મર્યાદા ગ્રાહકોની રાહત ઘટાડી શકે છે. જાણો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થનારા આ નિર્ણયની સંપૂર્ણ ગણતરી અને અસર.
આ નિર્ણય હેઠળ ULIP, ફેમિલી ફ્લોટર પ્લાન અને ટર્મ ઈન્શ્યોરન્સ જેવી વ્યક્તિગત ઈન્શ્યોરન્સ પૉલિસીઓ પર GST લાગશે નહીં.
GST Insurance Premium: GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર લાગતો 18% GST હવે શૂન્ય થઈ ગયો છે. આ નવો નિયમ 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે. આ નિર્ણયથી ગ્રાહકોને ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર રાહત મળશે, પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આ રાહત અપેક્ષા કરતાં ઓછી હશે.
શું છે નવો નિયમ?
આ નિર્ણય હેઠળ ULIP, ફેમિલી ફ્લોટર પ્લાન અને ટર્મ ઈન્શ્યોરન્સ જેવી વ્યક્તિગત ઈન્શ્યોરન્સ પૉલિસીઓ પર GST લાગશે નહીં. અગાઉ 100 રૂપિયાના પ્રીમિયમ પર 18 રૂપિયા GST ચૂકવવા પડતા હતા, એટલે કે કુલ 118 રૂપિયા ચૂકવવા પડતા. હવે GST નાબૂદ થતાં પ્રીમિયમ સસ્તું થશે, પરંતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની સમસ્યા ગ્રાહકોની રાહત ઘટાડી શકે છે.
ITC શું છે અને શા માટે મહત્વનું છે?
ઈન્શ્યોરન્સ કંપનીઓ ગ્રાહકો પાસેથી 18% GST લેતી હતી, પરંતુ તેમના ખર્ચ (જેમ કે એજન્ટનું કમિશન, ઑફિસનું ભાડું, માર્કેટિંગ) પર પણ GST ચૂકવતી હતી. આ ખર્ચ પર ચૂકવેલ GSTને તેઓ ગ્રાહકો પાસેથી લીધેલા GSTમાંથી ઘટાડી શકતી હતી, જેને ITC કહેવાય છે. ઉદાહરણ તરીકે જો કંપનીએ 100 રૂપિયાના પ્રીમિયમમાંથી 70 રૂપિયાના ખર્ચ પર 12.6 રૂપિયા GST ચૂકવ્યો હોય, તો તે 18 રૂપિયાના GSTમાંથી આ 12.6 રૂપિયા ઘટાડીને માત્ર 5.4 રૂપિયા સરકારને ચૂકવતી હતી.
ITC નાબૂદ થતાં શું થશે?
GST શૂન્ય થવાથી કંપનીઓને ITCનો લાભ નહીં મળે. આનો અર્થ એ છે કે 12.6 રૂપિયાનો ખર્ચ કંપનીઓ ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે. આથી, 100 રૂપિયાનું પ્રીમિયમ 112.6 રૂપિયા થઈ શકે છે. પરિણામે, અગાઉના 118 રૂપિયાની સરખામણીએ ગ્રાહકોને માત્ર 5.4 રૂપિયાની રાહત મળશે, જે અપેક્ષિત બચત કરતાં ઓછી છે.
જૂની પૉલિસીનું શું?
આ નિર્ણયનો ફાયદો જૂની પૉલિસી ધરાવતા ગ્રાહકોને પણ મળશે, પરંતુ રિન્યૂઅલ વખતે પ્રીમિયમમાં થોડો વધારો થઈ શકે છે, કારણ કે કંપનીઓ ITCના નુકસાનની ભરપાઈ કરવા પ્રીમિયમ વધારી શકે છે. જોકે, એકંદરે નાણાકીય બોજ અગાઉ કરતાં ઓછો રહેશે.
એક્સપર્ટ્સ શું કહે છે?
નિષ્ણાંતોના મતે આનાથી ઈન્શ્યોરન્સ સેક્ટરને ફાયદો થશે અને લોકોનો નાણાકીય બોજ ઘટશે. બીજી તરફ, IRDAIના ભૂતપૂર્વ સભ્ય નીલેશ સાઠેએ ચિંતા વ્યક્ત કરી છે કે ITC ન મળવાથી ઈન્શ્યોરન્સ કંપનીઓને નુકસાન થશે, ખાસ કરીને જૂની પૉલિસીઓ પર, કારણ કે તેમના પ્રીમિયમમાં વધારો કરવો મુશ્કેલ છે.
GST શૂન્ય થવાથી ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં થોડી રાહત જરૂર મળશે, પરંતુ ITCની મર્યાદા ગ્રાહકોનો ફાયદો ઘટાડી શકે છે. આ નિર્ણયથી ઈન્શ્યોરન્સ વધુ સુલભ બનશે, પરંતુ ગ્રાહકોએ પ્રીમિયમની ગણતરી સમજીને નિર્ણય લેવો જોઈએ.