US-India Trade Deal: મોદી ‘સારા દોસ્ત’ પણ ભારત સાવધાન! ટ્રમ્પની વાતોમાં આવ્યા વિના ટ્રેડ ડીલ પર ફૂંકી-ફૂંકીને પગલાં ભરતી સરકાર | Moneycontrol Gujarati
Get App

US-India Trade Deal: મોદી ‘સારા દોસ્ત’ પણ ભારત સાવધાન! ટ્રમ્પની વાતોમાં આવ્યા વિના ટ્રેડ ડીલ પર ફૂંકી-ફૂંકીને પગલાં ભરતી સરકાર

US-India Trade Deal: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે, પરંતુ ભારત ટ્રેડ ડીલ મામલે કોઈ ઉતાવળ કે દબાણમાં આવવાના મૂડમાં નથી. જાણો 50% ટેરિફ અને ખેડૂતોના હિત વચ્ચે ભારત કેવી રીતે સધાયેલા ડગલાં ભરી રહ્યું છે.

અપડેટેડ 10:19:17 AM Jan 22, 2026 પર
Story continues below Advertisement
US-India Trade Deal: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે, પરંતુ ભારત ટ્રેડ ડીલ મામલે કોઈ ઉતાવળ કે દબાણમાં આવવાના મૂડમાં નથી.

US-India Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સબંધો (Trade Deal) અત્યારે એક મહત્વના વળાંક પર છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી, તો બીજી તરફ વેપારના મામલે આકરા નિર્ણયો પણ લઈ રહ્યા છે. જોકે, ભારત આ વખતે ટ્રમ્પની મીઠી વાતોમાં આવી જવાને બદલે ખૂબ જ સાવચેતીપૂર્વક અને સધાયેલા કદમો સાથે આગળ વધી રહ્યું છે.

ટ્રમ્પના મતે મોદી ‘શાનદાર વ્યક્તિ અને ખાસ મિત્ર’

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની 56મી બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથેની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ભારતીય મીડિયાએ તેમને ટ્રેડ ડીલ વિશે પૂછ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, "હું તમારા વડાપ્રધાનનું ખૂબ સન્માન કરું છું. તેઓ એક શાનદાર વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. અમે એક મજબૂત સમજૂતી ચોક્કસ કરીશું."

નોંધનીય છે કે પીએમ મોદીની ફેબ્રુઆરી 2025માં વોશિંગ્ટન મુલાકાત દરમિયાન આ દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી (BTA) પર પહેલીવાર ચર્ચા થઈ હતી. બંને દેશોનો લક્ષ્યાંક છે કે હાલના 191 અબજ ડોલરના વેપારને વધારીને 2030 સુધીમાં 500 અબજ ડોલર સુધી લઈ જવો.

મિત્રતા એક તરફ, ટેરિફ બીજી તરફ


ભલે ટ્રમ્પ મોદીને દોસ્ત કહેતા હોય, પરંતુ હકીકત એ છે કે અમેરિકાએ ભારત પર આકરા ટેરિફ લાદ્યા છે. અમેરિકા હાલમાં ભારતની ઘણી નિકાસ વસ્તુઓ પર 50% સુધીનો ટેક્સ લગાવી રહ્યું છે. આ પાછળનું કારણ ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અને બ્રિક્સ (BRICS) સંગઠનમાં ભારતની ભાગીદારી માનવામાં આવે છે.

આના જવાબમાં ભારતે પણ ચૂપ બેસી રહેવાને બદલે અમેરિકાથી આવતા કૃષિ ઉત્પાદનો પર જવાબી ટેરિફ લગાવ્યા છે. સ્થિતિ એવી છે કે અમેરિકાના બે સેનેટરોએ ખુદ ટ્રમ્પને પત્ર લખીને અમેરિકન દાળ પર ભારતનો ટેક્સ ઓછો કરવા વિનંતી કરવી પડી હતી.

ભારત કોઈના દબાણમાં નહીં આવે

ટ્રમ્પ અવારનવાર પીએમ મોદીને સારા મિત્ર કહે છે અને પછી 500% ટેરિફ લગાવવાની ધમકી પણ આપે છે. પરંતુ ભારત હવે આ પેટર્ન સમજી ગયું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે આવા નિવેદનોના ઝાંસામાં નહીં આવે.

હમણાં જ અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે એવો દાવો કર્યો હતો કે પીએમ મોદીએ ત્રણ અઠવાડિયા સુધી ટ્રમ્પને ફોન ન કર્યો એટલે ડીલ અટકી ગઈ. પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે આ વાતને તદ્દન ખોટી ગણાવી હતી. પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા ગયા વર્ષે 13 ફેબ્રુઆરીથી જ વાતચીત માટે કટિબદ્ધ છે અને સંપર્કમાં છે. ભારત એક એવું એગ્રીમેન્ટ ઈચ્છે છે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય.

નિકાસ પર અસર અને ખેડૂતોનું હિત સર્વોપરી

અમેરિકાએ 50% ટેરિફ લગાવ્યા હોવા છતાં, ભારતમાંથી અમેરિકા જતો માલ સાવ અટક્યો નથી. ડિસેમ્બરમાં ભારતની નિકાસ 6.89 અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષની સરખામણીમાં નજીવી ઓછી છે. જોકે, કાપડ, જ્વેલરી, લેધર અને સી-ફૂડ સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં છે કારણ કે તેમણે ગ્રાહકો સાચવવા નફો ઓછો કરવો પડી રહ્યો છે.

ડીલમાં સૌથી મોટી અડચણ ‘ડેરી અને એગ્રીકલ્ચર’ સેક્ટર છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેમના ડેરી અને કૃષિ ઉત્પાદનો માટે બજાર ખોલે. પરંતુ ભારત પોતાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના હિત સાથે કોઈ પણ ભોગે બાંધછોડ કરવા તૈયાર નથી. સરકાર સ્પષ્ટ છે કે ડીલ થશે તો બરાબરીના ધોરણે જ થશે, અમેરિકાના દબાણમાં આવીને નહીં.

આ પણ વાંચો - Zomatoના CEO પદેથી દીપિન્દર ગોયલે આપ્યું રાજીનામું, આ વ્યક્તિ 1લી ફેબ્રુઆરીથી સંભાળશે કંપનીનો કાર્યભાર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2026 10:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.