US Tariff Threat: રશિયન તેલ પર 500% ટેક્સની લટકતી તલવાર, ભારતે અમેરિકાને સંભળાવી દીધું ‘અમારા 1.4 અબજ લોકોનું હિત પહેલા’
US Tariff Bill: અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 500% ટેક્સ લગાવવાનું બિલ લાવી રહ્યું છે. આ ધમકી પર ભારતે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના 1.4 અબજ નાગરિકો માટે સસ્તી ઊર્જાને જ પ્રાથમિકતા આપશે. જાણો સમગ્ર અહેવાલ.
US Tariff Bill: અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 500% ટેક્સ લગાવવાનું બિલ લાવી રહ્યું છે.
US Tariff Bill: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તેલની ખરીદીને લઈને ફરી એકવાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ગરમાવો આવ્યો છે. અમેરિકામાં એક નવું બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જે હેઠળ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 500% જેટલો જંગી ટેરિફ (ટેક્સ) લગાવવાની વાત કરવામાં આવી છે. અમેરિકાના આ પ્રસ્તાવિત બિલ પર ભારતે શુક્રવારે પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે સપાટ શબ્દોમાં કહી દીધું છે કે તેના માટે તેના નાગરિકોનું હિત સર્વોપરી છે.
ભારતનો સ્પષ્ટ જવાબ: અમારા લોકો માટે સસ્તું તેલ જરૂરી
અમેરિકાના આ પ્રસ્તાવ પર ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ ખૂબ જ મક્કમ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર આ પ્રસ્તાવિત બિલથી વાકેફ છે અને સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે.
જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે, "અમે પ્રસ્તાવિત બિલ અંગે જાણીએ છીએ. ઊર્જા સ્ત્રોતોના મામલે ભારતનો પક્ષ દુનિયા સારી રીતે જાણે છે. અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા દેશના 1.4 અબજ લોકોની જરૂરિયાતો પૂરી કરવી છે. અમે વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, જ્યાંથી પણ અમારા લોકોને સસ્તી અને સુરક્ષિત ઊર્જા મળશે, ત્યાંથી ખરીદી કરીશું." ટૂંકમાં, ભારતે જણાવી દીધું છે કે તે કોઈના દબાણમાં આવ્યા વગર પોતાના ઊર્જા સુરક્ષાના નિર્ણયો લેશે.
શું છે અમેરિકાનું નવું બિલ અને તેનો ઉદ્દેશ્ય?
આ મામલો ત્યારે ગરમાયો જ્યારે થોડા દિવસો પહેલા અમેરિકન સીનેટર લિન્ડસે ગ્રેહમે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈપાર્ટિશન રશિયા સેંકશન્સ બિલ (દ્વિપક્ષીય રશિયા પ્રતિબંધ બિલ) ને લીલી ઝંડી આપી દીધી છે.
કોને થશે અસર: આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર દબાણ લાવવાનો છે, જેઓ રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યા છે.
અમેરિકાનો તર્ક: અમેરિકાનું માનવું છે કે રશિયા તેલ વેચીને જે પૈસા કમાય છે, તેનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. ગ્રેહમે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આ બિલ એવા દેશોને દંડિત કરશે જે પુતિનની વોર મશીન ને પ્રોત્સાહન આપી રહ્યા છે.
500% ટેરિફનો શું છે ખેલ?
અમેરિકન કોંગ્રેસની વેબસાઈટ મુજબ, આ બિલનું નામ રશિયા સેંકશન્સ એક્ટ 2025 છે. તેમાં પ્રસ્તાવ મુકાયો છે કે રશિયાથી અમેરિકામાં આયાત થતા તમામ સામાન અને સેવાઓ પર તેની કિંમતના ઓછામાં ઓછા 500% સુધી ટેરિફ વધારવામાં આવશે. આ બિલ અમેરિકાના રાષ્ટ્રપતિને એવી સત્તા આપશે કે તેઓ ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે કડક પગલાં લઈ શકે, જેથી તેઓ સસ્તું રશિયન તેલ ખરીદવાનું બંધ કરે. લિન્ડસે ગ્રેહમે એમ પણ કહ્યું હતું કે આ બિલ આગામી સપ્તાહે વોટિંગ માટે જશે. તેમણે દલીલ કરી હતી કે જ્યારે યુક્રેન શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પુતિન નિર્દોષોને મારી રહ્યા છે અને ભારત-ચીન જેવા દેશો તેલ ખરીદીને રશિયાને આર્થિક મદદ કરી રહ્યા છે.
ભારત માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી
આ સમગ્ર ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. જોકે, ભારતે અમેરિકાના આ દબાણ સામે ઝુકવાની ના પાડી દીધી છે. ભારત હંમેશાથી ઊર્જાના વિવિધ સ્ત્રોતો પર ભાર મૂકતું આવ્યું છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે તેની સ્વતંત્ર વિદેશ નીતિ અને 1.4 અબજ નાગરિકોની સુવિધા સાથે કોઈ બાંધછોડ નહીં કરે, ભલે પછી સામે અમેરિકા જેવા દેશનું દબાણ કેમ ન હોય.