ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે કેનેડાને તેમની પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં ફ્રીમાં સામેલ કરવામાં આવશે, પરંતુ શરત એ છે કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવા માટે સંમત થાય.
USA canada talks: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવાનું વિચારી રહ્યું છે. આ દાવો ગોલ્ડન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલો છે, જેના વિશે ટ્રમ્પે વધુ માહિતી આપી છે.
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે કેનેડાને તેમની પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં ફ્રીમાં સામેલ કરવામાં આવશે, પરંતુ શરત એ છે કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવા માટે સંમત થાય. નહીં તો, ટ્રમ્પે ચેતવણી આપી કે કેનેડાને આ સિસ્ટમ માટે 61 બિલિયન અમેરિકી ડોલરનો ખર્ચ કરવો પડશે. ટ્રમ્પે એમ પણ દાવો કર્યો કે કેનેડા આ અસામાન્ય પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જોકે, કેનેડાના અધિકારીઓએ હજુ સુધી આ દાવા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કેનેડાનો ગોલ્ડન ડોમમાં રસ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેમની સરકાર અમેરિકાના ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામમાં જોડાવા માટે અમેરિકા સાથે ચર્ચા કરી રહી છે. કાર્નીએ કહ્યું, “શું આ કેનેડા માટે સારો વિચાર છે? હા, આપણા નાગરિકોની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી છે.” તેમણે જણાવ્યું કે આ મુદ્દે ટ્રમ્પ સાથે સીધી વાતચીત થઈ છે અને હાલમાં વરિષ્ઠ અધિકારીઓના સ્તરે ચર્ચા ચાલુ છે. કાર્નીએ એમ પણ ઉમેર્યું કે ભવિષ્યમાં કેનેડાને મિસાઇલના સંભવિત જોખમોનો સામનો કરવો પડી શકે છે.
ગોલ્ડન ડોમ શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન અમેરિકા માટે એક એડવાન્સ્ડ મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામનું વચન આપ્યું હતું. આ અંતર્ગત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ શીલ્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 175 બિલિયન અમેરિકી ડોલર છે અને તે 2029 સુધીમાં તૈયાર થઈ જશે. આ સમયે ટ્રમ્પનો બીજો કાર્યકાળ પણ પૂરો થશે.
ગોલ્ડન ડોમ કેવી રીતે કામ કરશે?
ગોલ્ડન ડોમ સિસ્ટમ ચાર તબક્કામાં કામ કરશે:
લોન્ચ પહેલાં શોધ: મિસાઇલનું લોન્ચ થાય તે પહેલાં તેનું લોકેશન જાણીને તેને નાશ કરવું.
પ્રારંભિક તબક્કો: મિસાઇલની ઉડાનના શરૂઆતી તબક્કામાં તેને રોકવી.
મિડ-ફ્લાઇટ નાશ: મિસાઇલ હવામાં હોય ત્યારે તેને નષ્ટ કરવી.
અંતિમ તબક્કો: જ્યારે મિસાઇલ લક્ષ્ય સુધી પહોંચવાની હોય, ત્યારે તેને રોકવી.
શું થશે આગળ?
ટ્રમ્પના આ નિવેદનથી રાજકીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. કેનેડા અને અમેરિકા વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે મજબૂત રહ્યા છે, પરંતુ આવો મોટો નિર્ણય બંને દેશોના નાગરિકો અને રાજકીય નેતાઓ માટે આશ્ચર્યજનક હોઈ શકે છે. કેનેડાના અધિકારીઓ આ દાવા પર શું પ્રતિક્રિયા આપે છે અને આ ચર્ચા કઈ દિશામાં આગળ વધે છે, તે જોવું રસપ્રદ રહેશે.