Ration card news gujarat: દિવાળીનો તહેવાર બિલકુલ નજીક છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રેશનિંગની દુકાનો પર સિંગતેલની ભારે અછત ઊભી થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીમાં સિંગતેલની આશા રાખીને બેઠા છે, પરંતુ પૂરતો જથ્થો ન હોવાને કારણે અનેક પરિવારોને તેલ વગર જ તહેવાર કાઢવો પડે તેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે.
પૂરા પૈસા લીધા, પણ માલ ઓછો આપ્યો
વ્યાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકોની હાલત અત્યારે કફોડી બની છે. પુરવઠા વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. દુકાનદારો પાસેથી ઓક્ટોબર માસના સિંગતેલ માટે 100% જથ્થાના પૈસા એડવાન્સમાં ભરાવી લેવામાં આવ્યા છે. પૂરા નાણાં સરકારી તિજોરીમાં જમા થયા હોવા છતાં, દુકાનો પર માત્ર 60 થી 80 ટકા જ તેલનો જથ્થો મોકલવામાં આવ્યો છે. એટલે કે, સરકાર દ્વારા દુકાનદારોને 20 થી 40 ટકા જેટલો માલ ઓછો આપવામાં આવ્યો છે. તહેવારના સમયે જ દુકાનદારોના 20 ટકા જેટલા નાણાં અટવાઈ ગયા છે અને આ પૈસા ક્યારે પાછા મળશે તેનો કોઈ જ જવાબ નથી.
‘વહેલા તે પહેલા'ના નિયમથી દુકાનો પર ઘર્ષણ
જથ્થો ઓછો હોવાથી દુકાનદારો મજબૂરીમાં વહેલા તે પહેલાના ધોરણે સિંગતેલ આપી રહ્યા છે. 100 કાર્ડધારકોમાંથી માત્ર 80 લોકોને જ તેલ મળી રહ્યું છે. બાકી રહી ગયેલા 20 ગ્રાહકો રોષે ભરાઈને દુકાનદારો સાથે રોજ માથાકૂટ અને ઝઘડા કરી રહ્યા છે. સંચાલકોનો આક્ષેપ છે કે, જો કોઈ ગ્રાહક ગુસ્સામાં ઓનલાઈન ફરિયાદ કરે તો પુરવઠા વિભાગ દુકાનદારનો જ વાંક કાઢશે કે "તમે તેલ કેમ ના આપ્યું?". આ તો 'ઊલટા ચોર કોટવાળને દંડે' જેવો ઘાટ સર્જાયો છે.
અધિકારી અને તેલ કંપનીનું શું કનેક્શન છે?
આ સમગ્ર વિવાદ વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ બચાવ કરતા જણાવ્યું છે કે, કોઈપણ દુકાનદારને તેલ ઓછું અપાયું નથી. જો કોઈ દુકાનદારને અછત હશે તો તેમની માંગણી મુજબ પૂરો જથ્થો આપી દેવાશે.
ભાવ અને સપ્લાયર કંપનીનું ગણિત:
રેશનિંગની દુકાનોને સરકાર દ્વારા 1 લિટર સિંગતેલનું પાઉચ રૂ. 97ના ભાવે આપવામાં આવે છે. દુકાનદારો આ તેલ ગ્રાહકોને રૂ. 100 માં વેચે છે. રાજ્યભરમાં જે સિંગતેલ અપાય છે તે પાટણ જિલ્લાની ગોકુલ એગ્રી ઈન્ટરનેશનલ લિમિટેડ બ્રાન્ડનું છે. આ કંપનીના ચેરમેન રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે અને તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ કંપનીના MD છે.
દિવાળી જેવા મોટા તહેવારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સબસિડીવાળું સિંગતેલ ન મળવું તે એક ગંભીર બાબત છે. તંત્રએ તાત્કાલિક ધોરણે ઘૂંટણિયા ટેકવવાને બદલે વ્યવસ્થા સુધારીને તમામ કાર્ડધારકોને તેમનો હક મળી રહે તે માટે યોગ્ય જથ્થો પહોંચાડવો જોઈએ.