દેશભરમાં બોગસ અને ભૂતિયા વકીલોને વકીલાતના વ્યવસાયમાંથી દૂર કરવા માટે શરૂ કરાયેલી વેરિફિકેશન પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. ગુજરાતમાં પણ આ પ્રક્રિયા માત્ર 50 ટકા જેટલી જ આગળ વધી છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) એ તમામ રાજ્યની બાર કાઉન્સિલને ફેબ્રુઆરી 2022 સુધી નોંધાયેલા વકીલો માટે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરાવવાનો આદેશ આપ્યો છે, અને તેના માટે 30 દિવસની મુદત આપી છે.
ગુજરાત બાર કાઉન્સિલે આ આદેશને અનુસરીને રાજ્યના 53,000થી વધુ વકીલોને આ ફોર્મ ભરવું ફરજિયાત બનાવ્યું છે. આમાંથી મોટા ભાગના વકીલોએ હજુ આ પ્રક્રિયા પૂરી કરી નથી. સુપ્રીમ કોર્ટે 2015માં આ પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશો આપ્યા હતા, પરંતુ 10 વર્ષ પછી પણ તે અધરમાં અટકી છે. વારંવારની ચેતવણીઓ છતાં વિલંબ થયો છે.
બાર કાઉન્સિલની વેરિફિકેશન કમિટીના સભ્ય અને ફાયનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું કે, જુલાઈ 2010 પછી અને 28 ફેબ્રુઆરી 2022 પહેલા નોંધાયેલા વકીલોમાંથી 18,000થી વધુએ અગાઉ ડેક્લેરેશન ફોર્મ ભર્યા હતા, પરંતુ હવે તેઓને પણ નવેસરથી પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ સાથે ધોરણ 10, 12, ગ્રેજ્યુએશન અને LLBની માર્કશીટ્સની સ્વ-પ્રમાણિત નકલો મોકલવી પડશે, અને દરેક પર સનદ નંબર લખવો જરૂરી છે.
આ પ્રક્રિયા જટિલ અને ગૂંચવણભરી હોવાને કારણે વિલંબ થયો છે. છેલ્લા 9 વર્ષથી વેરિફિકેશન અને ડેક્લેરેશન ફોર્મના નિર્દેશો હતા, પરંતુ હવે BCIએ નવો નિયમ કાઢ્યો છે. વકીલોમાં આને લઈને રોષ છે, પરંતુ તેઓને આ મામલે ગંભીરતા દાખવીને સમયસર ફોર્મ જમા કરાવવા જોઈએ. આ પગલું વ્યવસાયને વધુ વિશ્વસનીય બનાવશે.