મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જોવું એ ગુનો છે. કોર્ટે કેન્દ્ર સરકારને POCSO એક્ટમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની જગ્યાએ 'ચાઈલ્ડ સેક્સ્યુઅલી એબ્યુઝિવ એન્ડ એક્સપ્લોઈટિવ મટિરિયલ (CSEAM)' લખવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે એક વ્યક્તિ સામેનો કેસ એ કહીને રદ્દ કરી દીધો હતો કે તેણે માત્ર ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કર્યું હતું અને કોઈને મોકલ્યું ન હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શબ્દો બદલીને પણ સમાજ અને ન્યાય પ્રણાલીને આવા કેસની ગંભીરતા તરફ ખેંચી શકાય છે. ચાઈલ્ડ પોર્ન અંગે ચિંતા વ્યક્ત કરતા CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે ટેકનિકલ વાસ્તવિકતા અને બાળકોના કાયદાકીય રક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. બેન્ચે કહ્યું કે ચાઈલ્ડ પોર્નને CSEAM તરીકે બોલાવવાથી બાળકોના શોષણ સામે લડવા માટે કાયદાકીય માળખા અને સમજણમાં નવો અભિગમ બનશે.
બેન્ચે 19 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષા માટે કાયદા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે. જાન્યુઆરી 2024 માં, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એન આનંદ વેંકટેશે, 28 વર્ષીય વ્યક્તિને રાહત આપતા, તેની સામેના ફોજદારી કેસને રદ કર્યો હતો. યુવક પર ચાઈલ્ડ પોર્ન જોવા અને ડાઉનલોડ કરવાનો આરોપ હતો. જસ્ટિસ વેંકટેશે કહ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્ન જોવું એ પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો ગણી શકાય નહીં.
તેમના કહેવા પ્રમાણે, જો બાળકોનો પોર્નોગ્રાફીમાં ઉપયોગ કરવામાં આવે છે તો તેમની વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ થઈ શકે છે. તે જ સમયે જ્યારે કોઈ વ્યક્તિ સીધી રીતે સામેલ થયા વિના માત્ર ચાઇલ્ડ પોર્ન જુએ છે, તો તેના પર ગુનાહિત કાર્યવાહી કરવી યોગ્ય નથી. આઇટી એક્ટની કલમ 67બીને ટાંકીને હાઇકોર્ટે કહ્યું હતું કે આરોપીએ ન તો આવી સામગ્રી પ્રકાશિત કરી છે કે ન તો કોઇને મોકલી છે. જ્યારે આરોપીએ પોર્ન માટે બાળકનો ઉપયોગ કર્યો નથી તો તેની સામે ગુનો સાબિત થતો નથી. જો કે, એવું કહી શકાય કે યુવાન નૈતિક પતનનો ભોગ બન્યો છે. માર્ચમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે હાઈકોર્ટના આ આદેશની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે જજની કાનૂની સમજ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે એક જ જજ આવું કઈ રીતે કહી શકે? આ ભયાનક છે. એપ્રિલમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ડિજિટલ કન્ટેન્ટ અંગે પણ જવાબદારી જરૂરી છે.